<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

આકાશી આફતોની દરેક ઘડીએ ખેડૂતની પડખે ગુજરાત સરકાર: છેલ્લા દાયકામાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી પ્રભાવિત 1.36 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 22,733 કરોડની કૃષિ રાહત સહાય ચૂકવીને રાજ્ય સરકારે આપ્યો ઐતિહાસિક આર્થિક સધિયારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 2025-26માં 36.74 લાખ ખેડૂતોના ખાતામાં સીધા રૂ. 10,337 કરોડ જમા, SDRFના રૂ. 15,829 કરોડ ઉપરાંત રાજ્યના બજેટમાંથી રૂ. 6,904 કરોડ ઉમેરીને ગુજરાતે દેશભરમાં મિસાલ કાયમ કરી

ગાંધીનગર તા.૧૬ :  વાતાવરણમાં આવતા અણધાર્યા પરિવર્તનોના કારણે ગુજરાતના ખેડૂતો છેલ્લા એક દાયકાથી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને વાવાઝોડાં જેવી આકાશી આફતોનો સામનો કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક રાહત મળી રહે અને તેઓ ફરીથી ખેતી કરી શકે તે માટે રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવીને એક સશક્ત કવચ ઊભું કર્યું છે. 

           વર્ષ 2015-16થી 2025-26 સુધીના દસ વર્ષના ગાળામાં ગુજરાત સરકારે વિવિધ કૃષિ રાહત પેકેજો મારફતે રાજ્યભરના 1.36 કરોડથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. 22,733 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરી છે. કુદરતી આફતોના કારણે પાક નુકસાન સહન કરનારા લાખો અન્નદાતાઓ માટે આ સહાય ખરેખર સંકટમોચક સાબિત થઈ છે. આ કુલ રકમમાંથી રૂ. 15,829 કરોડ કેન્દ્ર સરકારના SDRF ભંડોળમાંથી ચૂકવવામાં આવ્યા છે જ્યારે રૂ. 6,904 કરોડ રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાના આપીને ખેડૂતોને વધુ રાહત આપી છે.                     એટલે કેન્દ્રના નિયમો ઉપરાંત ગુજરાત સરકારે પોતાના ખિસ્સામાંથી પૈસા ઉમેરીને ખેડૂતોને મદ કરી છે જે દેશભર માટે એક ઉદાહરણરૂપ બાબત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષ 2025-26માં આ પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે. ભારે વરસાદ અને કમોસમી આફતથી રાજ્યભરમાં વ્યાપક પાક નુકસાન થતાં રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને માત્ર એક જ વર્ષમાં 36.74 લાખથી વધુ ખેડૂતોને રૂ. 10,337 કરોડની સીધી સહાય ચૂકવી દીધી છે. 

                ગુજરાતના કૃષિ ઇતિહાસમાં ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે અત્યાર સુધીની આ સૌથી મોટી સહાય પૈકીની એક ગણાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આદરિયાણા ગામના ખેડૂત દેવરાજભાઈ સોલંકીની વાત આનું જીવંત ઉદાહરણ છે. ગયા વર્ષે કમોસમી વરસાદને કારણે દેવરાજભાઈનો ચણાનો આખો પાક બરબાદ થઈ ગયો હતો અને પરિવાર સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું હતું. દેવરાજભાઈ કહે છે કે સવારે ખેતરે પહોંચીને જ્યારે આખો પાક નષ્ટ થયેલો જોયો ત્યારે એક ક્ષણ માટે લાગ્યું કે હવે આખું વર્ષ મુશ્કેલીમાં પસાર થશે પરંતુ રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ અંતર્ગત તેમને મળેલી રૂ. 44,000ની સહાય તેમના પરિવાર માટે આશાનું કિરણ બની અને તે રકમથી તેઓ ફરીથી વાવેતર કરી શક્યા અને ખેતીને નવા ઉત્સાહ સાથે આગળ વધારી શક્યા.                     દેવરાજભાઈ જેવા લાખો ખેડૂતો માટે સરકારની આ સંવેદનશીલતા ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. છેલ્લા દસ વર્ષના આંકડા પર નજર કરીએ તો 2015-16માં 1.82 લાખ ખેડૂતોને રૂ. 279 કરોડ, 2017-18માં 7.69 લાખ ખેડૂતોને રૂ. 1,706 કરોડ, 2018-19માં 17.59 લાખ ખેડૂતોને રૂ. 1,678 કરોડ, 2019-20માં 33.18 લાખ ખેડૂતોને રૂ. 2,489 કરોડ, 2020-21માં 19.03 લાખ ખેડૂતોને રૂ. 2,906 કરોડ, 2021-22માં 7.67 લાખ ખેડૂતોને રૂ. 1,240 કરોડ, 2022-23માં 1.93 લાખ ખેડૂતોને રૂ. 197 કરોડ, 2023-24માં 2.55 લાખ ખેડૂતોને રૂ. 410 કરોડ, 2024-25માં 8.04 લાખ ખેડૂતોને રૂ. 1,491 કરોડ અને 2025-26માં 36.74 લાખ ખેડૂતોને રૂ. 10,337 કરોડની સહાય આપવામાં આવી છે. 

              આ ઉપરોક્ત તમામ આંકડાઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કુદરતી આફતોની દરેક ઘડીમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને પરિણામે આજે ગુજરાતનો અન્નદાતા વધુ આત્મવિશ્વાસ સાથે ખેતી કરી રહ્યો છે કારણ કે તેને પૂરો વિશ્વાસ છે કે મુશ્કેલીની દરેક પળે રાજ્ય સરકાર તેની પડખે ઊભી છે.

(4:08 PM IST)