<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

‘મોદી સરકારના‘ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન‘ યોજાયું

નરેન્દ્રભાઇ મોદીએ દેશને આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાનો મંત્ર આપીને રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને વિકાસની નવી દિશા આપી :જગદીશભાઈ વિશ્વકર્મા: સ્વચ્છતા અભિયાન અંતર્ગત ૧૨ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ દ્વારા દેશના પાંચ લાખથી વધુ ગામડાઓને ખુલ્લામાં શૌચમુક્ત બનાવ્યા :‘મોદી સરકાર‘ની સિદ્ધિઓ અને ઐતિહાસિક કાર્યો અંગે ચિતાર રજૂ કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપાના ‘ ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન‘ યોજાયું હતું.
‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન‘ ને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ દેશના ચુંટાયેલા પ્રધાનમંત્રી તરીકે ૪૩૯૯ દિવસ એટલે કે ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન અને તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીથી લઈને આજદિન સુધી એક પણ દિવસ રજા લીધા વિના વર્ષના ૩૬૫ દિવસ રાષ્ટ્રસેવાને સમર્પિત કર્યા છે. ઇતિહાસના પાનાંઓમાં નોંધાય તેવી આ યાત્રામાં ચૂંટાયેલા પ્રધાનસેવક તરીકે દેશને સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું છે.
 વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીને તેમની પ્રથમ ચૂંટણીમાં રાજકોટવાસીઓએ જંગી બહુમતીથી વિજયી બનાવી વિધાનસભામાં મોકલ્યા હતા. આજે દેશભરમાં થઈ રહેલી કેન્દ્રની ભાજપા સરકારની ૧૨ વર્ષની ઉજવણી માત્ર રાજકીય ઉપલબ્ધિઓથી  નહીં, પરંતુ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના થયેલા અનેક કાર્યોના રિપોર્ટ કાર્ડ સ્વરૂપે થઈ રહી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતને પાણી માટે ટ્રેન મારફતે પાણી મંગાવવું પડતું હતું અને માતા-બહેનોને પીવાના પાણી માટે કિલોમીટરો સુધી બેડાં લઈને જવું પડતું હતું. સરદાર પટેલે જોયેલા સરદાર સરોવર ડેમના સ્વપ્નને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત સંઘર્ષ કર્યો હતો. પ્રધાનમંત્રી બન્યા બાદ માત્ર ૧૭ દિવસમાં જ સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપીને તેમણે માર્ગ ખુલ્લો કર્યો હતો. રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકાર સામે ઉપવાસ પર બેસનાર મુખ્યમંત્રી તરીકે પણ તેમણે અનોખો દાખલો સ્થાપ્યો હતો. આજે સરદાર સરોવર યોજનાના ૭૫ હજાર કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કના કારણે રાજ્યના ૧૦ લાખથી વધુ ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળી રહ્યો છે અને ૧૮ લાખ હેક્ટરથી વધુ જમીન સિંચાઇ હેઠળ આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગરીબ કલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાન મોદીજીએ દેશના ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબી રેખાની બહાર લાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશના લાખો ગામડાઓમાં શૌચાલયોની સુવિધા નહોતી તે સ્થિતિમાંથી દેશને બહાર કાઢવામાં આવ્યો છે. લાલ કિલ્લાથી કરેલી જાહેરાતને સાકાર કરતાં આજે દેશભરમાં ૧૨ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે અને પાંચ લાખથી વધુ ગામડાઓને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવામાં સફળતા મળી છે. સાથે જ પીએમ આવાસ યોજના હેઠળ ૪ કરોડથી વધુ પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે.
 વિશ્વકર્માએ જણાવ્યું કે, નાના વેપારીઓ અને ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે પી.એમ. સ્વાનિધી યોજના હેઠળ વિવિધ તબક્કામાં લોન ઉપલબ્ધ કરાવી છે, જેના પરિણામે દેશના ૭૪ લાખથી વધુ ફેરિયાઓએ તેનો લાભ લીધો છે. તેમણે યાદ અપાવ્યું કે, જ્યારે નરેન્દ્રભાઈ મોદી જનધન યોજના અને ડિજિટલ ઇન્ડિયા મિશન લઈને આવ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓ અને તે સમયના નાણામંત્રી પી. ચિદમ્બરમે તેની મજાક ઉડાવી હતી. પરંતુ આજે શૂન્ય બેલેન્સથી શરૂ થયેલી આ યોજના અંતર્ગત દેશના ૫૮ કરોડથી વધુ લોકોના બેંક ખાતાં ખુલ્યાં છે અને બે લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ બેંકિંગ વ્યવસ્થામાં આવી છે, જે એક ક્રાંતિ સમાન છે. આજે વિશ્વમાં સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ ભારત પાસે છે અને યુપીઆઈ દ્વારા દરરોજ કરોડો લોકો ઓનલાઈન વ્યવહારો કરી રહ્યા છે. ડિજિટલ ઇકોનોમીમાં ભારત વિશ્વને દિશા આપી રહ્યું છે.
આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનોની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે, ૨૦૧૪ પહેલાં દેશની અંદર એઇમ્સ જેવી માત્ર ૮ સંસ્થાઓ હતી, જ્યારે આજે ૨૩થી વધુ એઇમ્સ કાર્યરત છે. રાજકોટને પણ એઇમ્સ જેવી વિશ્વસ્તરીય આરોગ્ય સંસ્થા મળવી એ સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે. દેશમાં મેડિકલ શિક્ષણની બેઠકોમાં ઐતિહાસિક વધારો થયો છે જે પહેલા 51 હજાર જેટલી હતી તે આજે 1 લાખ 28 હજાર થી વધુ થઈ છે. આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કેન્દ્ર સરકારના ૫ લાખ અને રાજ્ય સરકારના ૫ લાખ એમ કુલ ૧૦ લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા ઉપલબ્ધ બની છે, જેના લાભથી કરોડો નાગરિકો આવરી લેવામાં આવ્યા છે. ભારત અને ગુજરાત આજે મેડિકલ ટુરિઝમના અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યાં છે. 
મહિલા સશક્તિકરણ અંગે તેમણે જણાવ્યું કે, દેશભરમાં ૯૧ લાખથી વધુ સ્વસહાય જૂથો કાર્યરત છે અને ૧૦ કરોડથી વધુ બહેનો આત્મનિર્ભર બની છે. પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ અંદાજે ૧૧ કરોડ પરિવારોને ગેસ કનેક્શન મળ્યાં છે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જ ચાર લાખ કરોડ રૂપિયાથી વધુ સહાય જમા કરાવવામાં આવી છે. ખેડૂત કલ્યાણનો ઉલ્લેખ કરતાં વિશ્વકર્માએ જણાવ્યું કે, તાત્કાલિક સર્વે કરાવી ૧૦ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને ૧૫ હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં જ્યાં એમએસપી હેઠળ મર્યાદિત ખરીદી થતી હતી, ત્યાં છેલ્લા ૧૨ વર્ષમાં દેશભરમાં ખેડૂતો પાસેથી આશરે ૨૬ લાખ કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીશ્રી મોદીજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરી રહ્યા છે અને રાજ્ય સરકાર તથા કૃષિ વિભાગ પણ તે દિશામાં સતત કાર્યરત છે.
દેશની અર્થવ્યવસ્થામાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, સ્વતંત્રતા સમયે દેશ મુખ્યત્વે કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતો હતો. આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી, રૂરલ ઇકોનોમી, મેડિકલ ઇકોનોમી, ડિજિટલ ઇકોનોમી, ટુરિઝમ ઇકોનોમી, સ્પિરિચ્યુઅલ ઇકોનોમી, બ્લુ ઇકોનોમી, ગ્રીન ઇકોનોમી અને ઓરેન્જ ઇકોનોમી જેવા વિવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ ઉભી કરી છે. ભારત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૧૧ માં ક્રમાંકે થી છલાંગ લગાવીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. અમૂલનું વાર્ષિક ટર્નઓવર એક લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચ્યું છે, જ્યારે કૃષિ અને સહકાર ક્ષેત્રનું ટર્નઓવર સાડા ચાર લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. 
વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશનું સૌથી લોકપ્રિય પ્રવાસન કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં સોમનાથ ખાતે ઉજવાયેલા સ્વાભિમાન પર્વ દરમિયાન માત્ર સાત દિવસમાં ૧૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. મોદીજીના નેતૃત્વમાં દેશ વિકાસ ભી, વિરાસત ભી ના અભિગમ સાથે આગળ વધી રહ્યો છે. ગુજરાત આજે દેશનું સોલાર ક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે અને સૌરાષ્ટ્રનું રાજકોટ શહેર મજબૂત ઔદ્યોગિક હબ તરીકે વિકસી રહ્યું છે.વર્ષ ૨૦૦૩માં નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વસનીય મંચ બની છે, આજે દેશ-વિદેશના ઉદ્યોગકારો લાખો કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે આવે છે. આજે રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું છે. 
 મોદીજીએ દેશને આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાનો મંત્ર આપીને રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને વિકાસની નવી દિશા આપી છે. આજે ભારત ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી 30થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરી રહ્યું છે. આત્મનિર્ભર ભારતના પર ભારતના પાયા સમાન યુવાનો માટે શ્રી મોદીજીએ અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે જેમાં શિક્ષણ ની સાથે યુવાનોને એન્ટરપ્રિન્યોર બનવા માટે સહાય અને પ્લેટફોર્મ પૂરું પાડતી યોજનાઓ કાર્યરત છે.
તેઓએ કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં દેશમાં અભૂતપૂર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ થયો છે, 26 શહેરોમાં મેટ્રો નેટવર્કનું કામ ચાલી રહ્યું છે, જ્યારે અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને પણ મંજૂરી મળી છે. ગુજરાતને સરદાર સરોવર યોજના, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન, વડોદરાની દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી, વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, એમ્સ હોસ્પિટલ, જામનગરનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ગિફ્ટ સિટી અને નવસારીનો પીએમ મિત્રા પાર્ક જેવા ઐતિહાસિક વિકાસકાર્યોની ભેટ મળી છે. આજે વડોદરામાં વિમાન નિર્માણ થઈ રહ્યું છે અને દેશ પીનથી લઈને પ્લેન સુધીની વસ્તુઓનું ઉત્પાદન કરી આત્મનિર્ભરતાના નવા શિખરો સર કરી રહ્યો છે. શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, આ ફક્ત સરકારના 12 વર્ષ નથી, પરંતુ વિશ્વાસના 12 વર્ષ છે, વિકાસના 12 વર્ષ છે, સેવા, સમર્પણ અને સંકલ્પના 12 વર્ષ છે, જનકલ્યાણના 12 વર્ષ છે, જે શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ નવા ભારતના નિર્માણની ગૌરવગાથા બની રહ્યા છે.
સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આ કાર્યક્રમમાં સંબોધન કરી મોદી સરકારની સિદ્ધિઓ અને ઐતિહાસિક કાર્યો અંગે ચિતાર રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવેએ ઉપસ્થિત સૌને સ્વચ્છતા જાળવવા, કચરાનો યોગ્ય નીકાલ કરવા, સ્વસ્થ મન અને શરીર માટે યોગ કરવા; ઇંઘણ, ઉર્જા અને જળનો જરૂર પુરતો ઉપયોગ કરવા; અન્નનનો બગાડ ન કરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સિટ બેલ્ટ અને હેલમેન્ટના ઉપયોગ કરવા, સો.મીડિયામાં આવતી માહિતીનો ચકાસણી કર્યા વગર  પ્રસાર ન કરવા, પરિવહન માટે શક્યો હોય ત્યા સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, વ્યવસન થી દુર રહેવા, દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી જતન કરવા, જાહેર સંપતિને નુકશાન  ન થાય તે માટે તકેદારી લેવા, પ્લાલ્ટીકનો ઉપયોગ શક્ય હોય ત્યા સુધી ટાળવા સહિતના સંકલ્પ લેવડાવ્યો હતો. 
રાજકોટ મહાનગર ભાજપા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રીઓ

 અનિરુદ્ધભાઈ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ શહેર ભાજપા અધ્યક્ષ માધવભાઈ દવે, નેહલભાઈ શુક્લ સહિત ભાજપા આગેવાનો, અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓ, ચુંટાયેલા સભ્યો, કાર્યકરો, વિવિધ સમાજના તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:05 PM IST)