<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ઇમ્‍પેક્‍ટ ફીની મુદતમાં ૬ મહિનાનો વધારોઃ ૧૬ ડિસેમ્‍બર સુધી અરજી કરાશે

નામંજૂર થયેલી અરજીઓનો આંકડો ખૂબ જ મોટો હોવાથી અને હજારો મિલકતધારકો હજુ પણ કાનૂની ગૂંચવણોને કારણે પોતાના બાંધકામો નિયમિત કરાવી શક્‍યા નથી

અમદાવાદ,તા.૧૭:  ગુજરાત સરકાર દ્વારા બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે અમલમાં મૂકવામાં આવેલા મહત્ત્વાકાંક્ષી ‘ઇમ્‍પેક્‍ટ ફી' કાયદાની મુદત પૂર્ણ થાય તે પૂર્વે હવે સરકારે તેમાં વધુ ૬ મહિનાનો વધારો કર્યો છે. આ નિર્ણયના પગલે હવે બિલ્‍ડિંગ નિયમિત કરવા ઈચ્‍છતા મિલકતધારકો માટે છેલ્‍લી તારીખ ૧૬મી ડિસેમ્‍બર, ૨૦૨૬ રહેશે.

ઇમ્‍પેક્‍ટ ફીની મુદત પૂર્ણ થઈ રહી છે ત્‍યારે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રાજ્‍ય સરકાર દ્વારા આ કાયદાની મુદતમાં વધુ એક વખત વધારો કરવામાં આવે તેવી પ્રબળ શક્‍યતાઓ સેવાઈ રહી છે. નામંજૂર થયેલી અરજીઓનો આંકડો ખૂબ જ મોટો હોવાથી અને હજારો મિલકતધારકો હજુ પણ કાનૂની ગૂંચવણોને કારણે પોતાના બાંધકામો નિયમિત કરાવી શક્‍યા નથી. જો મુદત વધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મિલકતો પર કાર્યવાહી થવાની શક્‍યતા પણ નકારી શકાતી નથી. જેથી નાગરિકોની મુશ્‍કેલીઓને ધ્‍યાને રાખીને આગામી ટૂંક સમયમાં જ મુદત વધારા અંગે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

ઇમ્‍પેક્‍ટ ફી કાયદાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સામાન્‍ય નાગરિકોના અનધિકૃત રહેણાંક અને વ્‍યાવસાયિક બાંધકામોને કાયદેસર કરી મોટી રાહત આપવાનો હતો. પરંતુ ૯૨૩૪૯ અરજીઓમાંથી ૫૯૧૫૬ એટલે કે ૬૪ ટકા અરજીઓ નામંજૂર થતાં તંત્રની જાટિલ પ્રક્રિયા અને કડક નિયમો સામે સવાલો ઉભા થયા છે. રિયલ્‍ટી નિષ્‍ણાતોના મતે, માર્જિન, પાર્કિગ સ્‍પેસ અને ફાયર સેફટીના અતિ કડક ધોરણોને કારણે હજારો અરજીઓ ફગાવી દેવામાં આવી છે. જ્‍યારે હજુ પણ ૬૯૫૦ જેટલી અરજીઓ પેન્‍ડીંગ છે.

(10:00 AM IST)