<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

૨૧મી જૂનથી આંગણવાડીના ૧૨.૫ લાખ બાળકોને ૩થી ૬ વર્ષની વયે યોગ શીખવાડાશે

બાળકોની તંદુરસ્‍તી વધે અને લાંબા ગાળે કુપોષણમાં ઘટાડો થાય તેવો હેતુ : આંગણવાડીના કાર્યકરોને યોગ શિક્ષકો દ્વારા તાલીમ અપાશેઃ મંત્રી ડો. મનિષા વકીલ

અમદાવાદ તા.૧૭: રાજ્‍યના બાળકોમાં કુમળી વયથી જ તંદુરસ્‍તી વર્ષ અને કૃપોષણ ઓછું કરવામાં પણ મદદ થાય તેવા હેતુથી આંગણવાડીના લાખો બાળકોને યોગા શીખવાડવાનો મહત્‍વનો નિર્ણય મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્‍યો છે. ૩થી ૬ વર્ષ સુધીના ૧૨.૫ લાખ જેટલા બાળકોને ૨૧ જૂને યોગ દિવસથી બેઝિક યોગા શીખવવામાં આવશે. બાળકોને કયા યોગ અને કેવી રીતે શીખવવા તે માટે આંગણવાડીના મહિલા કાર્યકરોને યોગ બોર્ડના શિક્ષકો દ્વારા ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે.

રાજ્‍ય સરકાર બાળકોને સુપોષિત કરવા અનેક યોજનાઓ ચલાવે છે તેમાં હવે યોગનો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે. મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રી ડો. મનિષાબેન વકીલ દ્વારા એકસાથે લાખો બાળકો ૩થી ૬ વર્ષની વયમાં જ યોગ કરતા શીખે અને તેના થકી સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થાય તે માટે નવતર અભિગમ અપનાવવામાં આવશે. આંગણવાડીના બાળકોને પ્રાણાયામ, અનુલોમ-વિલોમ અને તાડાસન તેમની વયને ધ્‍યાનમાં રાખીને તબક્કાવાર શીખવાડાશે. બાળકો યોગ કરતા શીખે તો સ્‍વાસ્‍થ્‍ય સુધરતા આહાર વધે અને કુપોષણમાં ઘટાડો થાય તે માટેનો પણ છે. નવા શૈક્ષણિક સત્રથી કોઈ બાળકો આંગણવાડીમાં પ્રવેશથી બાકાત ન રહે તે માટે વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેના કારણે કુલ પાંચ લાખ બાળકોનો છેલ્‍લા કેટલાક મહિનામાં ઉમેરો થવા પામ્‍યો છે.

આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓના સ્‍વાસ્‍થ્‍યમાં પણ સુધારો થાય અને બાળકોને તેઓ યોગ્‍ય રીતે યોગાસન શીખવાડી શકે તે માટે પહેલા તેમને પ્રશિક્ષિત યોગ ટીચર દ્વારા વિવિધ આસનો શીખવાડવામાં આવશે. તે પછી તેમના દ્વારા બાળકોને આંગણવાડીમાં યોગ કરાવવાની શરૂઆત કરાશે.

ગુજરાતના બાળકોમાં કુપોષણનું નોંધપાત્ર પ્રમાણ હોવાનું નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેના રિપોર્ટમાં અવારનવાર બહાર આવતું હોય છે. વિભાગને એવી આશા છે કે યોગના કારણે બાળકોના ઉચાઈ સહિતના શારીરિક સ્‍વાસ્‍થ્‍યના માપદંડમાં સુધારો થશે. તે સાથે તેમનામાં આહાર સહિતની સારી આદતો કેળવાશે. જેથી કુપોષણ ઘટાડવામાં પણ મદદ મળશે.

(10:13 AM IST)