<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ભ્રષ્ટ્રચારના નાદાર નમૂના :ડિંડોલીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ નવા રોડની પોલ ખુલી : માલવાહક ડમ્પર જમીનમાં ખુંપી ગયું

માલસામાન ભરેલું ડમ્પર રોડ પરથી પસાર થતું હતું ત્યારે અચાનક જ આખો રસ્તો ડમ્પર સહિત જમીનમાં ધસી પડ્યો: ડમ્પરનો પાછળનો ભાગ રોડની અંદર ગરકાવ થઈ જતાં અફરાતફરી

સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં હજુ થોડા દિવસો પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો નવો રોડ ચોમાસાની શરૂઆત પહેલા જ ધસી પડ્યો છે. પાલિકાની ગંભીર બેદરકારી અને નબળા કામકાજને કારણે આખો ને આખો 500 મીટર લાંબો રસ્તો જમીનમાં બેસી જતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, ન્યુ ડીંડોલી તરફ જવાના મુખ્ય માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે એક ભારે માલસામાન ભરેલું ડમ્પર આ રોડ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક જ આખો રસ્તો ડમ્પર સહિત જમીનમાં ધસી પડ્યો હતો. ડમ્પરનો પાછળનો ભાગ રોડની અંદર ગરકાવ થઈ જતાં અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને હાલ જેસીબી (JCB) મશીનની મદદથી ડમ્પર ખાલી કરી તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ માંડ થોડા દિવસો પહેલાં જ બનેલો ચકચકિત રોડ સામાન્ય દિવસોમાં જ બેસી જાય, તો ભારે વરસાદમાં આ રસ્તાની શું હાલત થશે તે વિચારવું જ રહ્યું. આ ઘટનાએ સુરત મનપાના પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અને રોડ કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા પર મોટા સવાલો ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જનતાના ટેક્સના પૈસાનો આવો વેડફાટ કેમ?

આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ એક મોટી દુર્ઘટનાની ચેતવણી છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. જો વરસાદ પહેલા જ આવી સ્થિતિ હોય, તો આગામી ચોમાસામાં સુરતવાસીઓની સુરક્ષાનું શું?

(1:39 PM IST)