તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ગાંધીનગરના 'સંસ્કૃતિ કુંજ'મા 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નો ભવ્ય ત્રિ-દિવસીય મહોત્સવ: નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન, વિકાસ અને રાષ્ટ્રનિર્માણની ગાથા દર્શાવતું વિશેષ પ્રદર્શન મુખ્ય આકર્ષણ બનશે : સંજય ઓઝા, પાર્થ ઓઝા, વ્યાસ બ્રધર્સ અને હાર્દિક દવેની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી રંગાશે ત્રિ-દિવસીય ઉત્સવ
સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ પરીસરમાં રોજ સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી યોજાનારા આ મહોત્સવમાં માણભટ્ટ આખ્યાન, સુપરહિટ નાટક 'ભણકારા', સંગીતમય સાંજ અને ભજન ક્લબિંગ સાથે કવિ સંમેલનનો સમન્વય જોવા મળશે; રાજ્ય સરકારે તમામ નાગરિકોને વિકાસના ગૌરવમય અધ્યાયના સાક્ષી બનવા ભાવભર્યું આમંત્રણ

ગાંધીનગર તા.૧૭ : દેશના રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ગાંધીનગર ખાતે એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત આગામી 19 જૂનથી 21 જૂન 2026 સુધી ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા 'સંસ્કૃતિ કુંજ' પરીસરમાં ત્રિ-દિવસીય ભવ્ય પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી યોજાશે. રોજ સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશના વિકાસની ઝાંખી સાથે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે.
આ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના છેલ્લા 12 વર્ષના અવિરત વિકાસ, પારદર્શક સુશાસન અને કુશળ વહીવટ પર આધારિત વિશેષ પ્રદર્શન રહેશે. આ પ્રદર્શનમાં વડાપ્રધાનશ્રીની 12 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ, જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યોને આધુનિક ટેકનોલોજી, ડિજિટલ માધ્યમો અને સર્જનાત્મક આર્ટ દ્વારા રજૂ કરવામાં આવશે. મુલાકાતીઓ આ પ્રદર્શન દ્વારા વિકસિત ભારતના સંકલ્પને નજીકથી અનુભવી શકશે.
મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાતની લુપ્ત થતી પરંપરાગત માણભટ્ટ આખ્યાન કલાની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. આ સાથે 5થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ચૂકેલું સુપરહિટ નાટક 'ભણકારા'નું મંચન થશે. આ દુર્લભ સંયોજન પ્રખ્યાત માણભટ્ટ કલાકાર વ્યાસ બ્રધર્સ, જાણીતા દિગ્દર્શક વિવેક પાઠક અને તેમની પ્રતિભાશાળી ટીમ દ્વારા રજૂ કરવામાં આવશે.
બીજા દિવસે સંગીતપ્રેમીઓ માટે એક ખાસ સંગીતમય સાંસ્કૃતિક કૃતિનું આયોજન કરાયું છે. ગુજરાતના સંગીત જગતના દિગ્ગજ અને ખ્યાતનામ કલાકાર સંજય ઓઝા તથા પાર્થ ઓઝા તેમની મધુર અને સુરીલી પ્રસ્તુતિથી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરશે. આ સાંજ સંગીતના રસિકો માટે યાદગાર બની રહેશે.
ઉત્સવના અંતિમ દિવસે આધ્યાત્મિકતા અને સાહિત્યનો સુમેળ સાધતો 'ભજન ક્લબિંગ અને કવિ સંમેલન'નો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જાણીતા લોકગાયક અને કલાકાર હાર્દિક દવે તેમના સુપ્રસિદ્ધ ભજનોથી વાતાવરણને ભક્તિમય બનાવશે. તેની સાથે દેશના પ્રતિભાશાળી યુવા કવિઓ પોતાની દેશભક્તિ અને રાષ્ટ્રચેતનાથી ભરપૂર અનોખી કવિતાઓ દ્વારા શ્રોતાઓને ઝૂમાવશે.
આયોજકોના મતે આ ત્રિ-દિવસીય આયોજન માત્ર એક સાંસ્કૃતિક ઉત્સવ નથી, પરંતુ દેશના દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રભાવના જગાડવા અને 'વિકસિત ભારત @2047'ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. ગાંધીનગર અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા વિકાસના આ ગૌરવમય અધ્યાયના સાક્ષી બનવા અને સાંસ્કૃતિક વિરાસતને માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
