તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
દિલ્હીમાં આગની ભયાનક ઘટના બાદ અમદાવાદ મનપાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું :થલતેજ-બોડકદેવની 6 હોટલ સીલ
ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમની કાર્યવાહી :હોટલ રુદ્ર, હોટલ કેપટાઉન, હોટલ અપોલો, હોટલ લેક ઇન અને હોટલ ગ્રાન્ટ ઇન જેવી જાણીતી હોટલો સીલ કરાઈ

અમદાવાદ :દિલ્હીમાં બનેલી આગની ભયાનક ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. શહેરમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી અંતર્ગત ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી થલતેજ અને બોડકદેવ વિસ્તારની 6 પ્રતિષ્ઠિત હોટલોને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.
ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી. જેમાં હોટલ રુદ્ર, હોટલ કેપટાઉન, હોટલ અપોલો, હોટલ લેક ઇન અને હોટલ ગ્રાન્ટ ઇન જેવી જાણીતી હોટલોનો સમાવેશ થાય છે. ફાયર ઓફિસર વિષ્ણુ દેસાઈના જણાવ્યા અનુસાર, આ હોટલોને અગાઉ ફાયર સેફ્ટી અંગે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નિયમોનું પાલન ન થતા આખરે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા હોટલ સંચાલકોને સવાર સુધીમાં રહેતા મહેમાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.
ફાયર ઓફિસર વિષ્ણુ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ફાયર સેફ્ટી મુદ્દે હવે ફાયર વિભાગ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. જે હોટલ કે મિલકત ફાયર ઓડિટમાં ખામીયુક્ત જણાશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ સંચાલક સીલ તોડવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે પણ પોલીસ ફરિયાદ સહિતના કડક પગલાં લેવામાં આવશે." આ કાર્યવાહીથી હોટલ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
