તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને મોટો ઝટકો: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની સીધી બરતરફીનો નિર્ણય રદબાતલ, હવેથી 'ડિસમિસ' નહીં પણ 'સસ્પેન્ડ' ગણી નિયમાનુસાર અડધો પગાર ચૂકવવા મહત્વનો આદેશ
યોગ્ય તપાસ અહેવાલ રજૂ કર્યા વિના સીધી જ નોકરીમાંથી હાંકી કાઢવાની કડક કાર્યવાહી ગેરવ્યાજબી ઠેરવાઈ; અગાઉ ટીપીઓ શાખાના અધિકારીઓને મળેલી રાહત બાદ હવે ફાયર વિભાગના ચર્ચિત અધિકારીને પણ અદાલતી આશરો મળતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ

અમદાવાદ/રાજકોટ: રાજકોટના બહુચર્ચિત અને સમગ્ર રાજ્યને ધ્રુજાવી દેનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આકરા વહીવટી પગલાં સામે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ દુર્ઘટના બાદ બરતરફ કરવામાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને અદાલત તરફથી અતિ મહત્વની કાનૂની રાહત સાંપડી છે. હાઈકોર્ટે સરકારી આદેશમાં સુધારો કરતા સ્પષ્ટ રુલિંગ આપ્યું છે કે ઈલેશ ખેરને નોકરીમાંથી 'બરતરફ' (ડિસમિસ) માનવાને બદલે માત્ર 'મોફૂફ' (સસ્પેન્ડ) ગણવાના રહેશે અને નિયમ મુજબ તેમને મળવાપાત્ર અડધો પગાર (જીવન નિર્વાહ ભથ્થું) પણ ચૂકવવો પડશે.
રાજકોટ અગ્નિકાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તત્કાલીન સમયે શાસન દ્વારા અનેક જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ વિના અથવા પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ સીધા જ ડિસમિસલના ઓર્ડર ફટકારી દેવામાં આવ્યા હતા. આ આકરી કાનૂની કાર્યવાહી સામે ઈલેશ ખેર દ્વારા હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. અરજદાર પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે નિયમાનુસાર યોગ્ય ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વગર કે પૂરતી કાનૂની પ્રક્રિયાને અનુસર્યા વગર સીધા જ બરતરફ કરી દેવાનો આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
હાઈકોર્ટે કેસની તથ્યાત્મક બાબતો અને કાયદાકીય પાસાઓની સઘન સુનાવણી હાથ ધર્યા બાદ નોંધ્યું હતું કે કોઈ પણ સત્તાવાર અને યોગ્ય ઈન્કવાયરી રિપોર્ટ રજૂ કર્યા વિના કોઈ કર્મચારી કે અધિકારીને સીધા નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં. અદાલતે સરકારની આ ઉતાવળી અને આકરી કારવાઈ સામે લાલ આંખ કરીને પૂર્વ ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્શન હેઠળ ગણવા આદેશ કર્યો હતો.
નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ કેસમાં આ પ્રકારની કાનૂની રાહત મેળવનારા ઈલેશ ખેર પ્રથમ અધિકારી નથી. આ પૂર્વે ટાઉન પ્લાનિંગ (ATP) શાખાના કર્મચારીઓ તેમજ મુકેશ મકવાણા અને રાજેશ મકવાણા સહિતના અન્ય મહાનગરપાલિકાના કર્મચારીઓએ પણ હાઈકોર્ટમાં અરજી કરીને આવી જ રાહત મેળવી લીધી છે. સરકારી બરતરફીના આદેશો અદાલતમાં એક પછી એક રદબાતલ ઠરતાં વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, જ્યારે કાનૂની લડત આપી રહેલા બરતરફ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ ચુકાદો ખૂબ જ રાહતરૂપ સાબિત થયો છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
