News of Tuesday, 4th August 2026
સંસદ ભવનમાં ધાર્મિક પ્રતીકો અને સંસ્કૃતિના અપમાનને લઈને અમદાવાદમાં ધર્મગુરુઓ અને સંતો મેદાને : કાયદાકીય પગલાં લેવા માંગણી : ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
આગામી દિવસોમાં રાજકીય અને સામાજિક મોરચે ગરમાવો જોવા મળી શકે: જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રપતિ અને સરકારને સંબોધી રજૂઆત કરાઈ

અમદાવાદ :સંસદ ભવનમાં સનાતન સંસ્કૃતિ અને ભગવા વસ્ત્રોના કથિત અપમાન મામલે ગુજરાતના મુખ્ય મથક અમદાવાદ ખાતે સનાતન સંત સમાજ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી આવેલા અગ્રણી સંતો અને મહંતોએ ભારે રોષ અને આક્રોશ વ્યક્ત કરતા સંસદમાં બનેલી ઘટનાને સનાતન સંસ્કૃતિ પર સીધો પ્રહાર ગણાવ્યો હતો. સંતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ સંસદમાં સંતોના વસ્ત્રો અને ધાર્મિક પ્રતીકોનું અપમાન ક્યારેય સહન કરી શકાય નહીં.
આ પત્રકાર પરિષદમાં સંત સમાજના આગેવાનો દ્વારા પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સાંસદ અવધેશ પ્રસાદ પર દેશની કરોડો જનતાની ધાર્મિક લાગણી દુભાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. સંતોએ માંગ કરી હતી કે આ તમામ જવાબદાર નેતાઓ સામે વહેલી તકે એફઆઈઆર (FIR) નોંધવામાં આવે અને તેમનું સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવે.
વિશેષરૂપે ચૈતન્ય શંભુ મહારાજે આકરા પ્રહારો કરતા ચેતવણી આપી હતી કે, "આજે દેશભરના સાધુ-સંતો એકાકાર થઈને મેદાનમાં આવ્યા છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરોને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે." તેમણે પપ્પુ યાદવ પર નિશાન સાધતા ઉમેર્યું કે સંસદમાં બનાવટી સંત વેશ ધારણ કરીને સંત સમાજની પરંપરાને લજવવાનું શરમજનક કૃત્ય કરવામાં આવ્યું છે. સાથે જ અયોધ્યા મુદ્દે વાત કરતા તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા કે તેઓ ક્યારેય અયોધ્યા ગયા નથી અને માત્ર રાજકીય રોટલા શેકવાનું કામ થઈ રહ્યું છે.
જગતમંદિરના દિલીપદાસજી મહારાજે પણ આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી હતી કે સનાતન સંસ્કૃતિનું અપમાન કરનારાઓ સામે કાયદાનો સકંજો કસાય અને તેમનું સાંસદ પદ તુરંત રદ કરવામાં આવે. આ અંગે રાજ્યના રાજ્યપાલને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મોહનદાસજી મહારાજે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે પપ્પુ યાદવ અને અન્ય સંસદો આ પ્રકારના અનિચ્છનીય કૃત્યો કરીને વિનાશના માર્ગે આગળ વધી રહ્યા છે.
સંત સમાજના આંદોલનની આગામી રણનીતિ જાહેર કરતા સંતોએ જણાવ્યું હતું કે આગામી એક અઠવાડિયા સુધી વિવિધ જિલ્લાઓમાં વિરોધ કાર્યક્રમો યોજાશે અને સોમવારે ગાંધીનગર ખાતે વિશાળ સંખ્યામાં સાધુ-સંતો એકઠા થઈને ઉગ્ર આંદોલનની સત્તાવાર જાહેરાત કરશે. સંતોના આ આક્રમક વલણને કારણે આગામી દિવસોમાં રાજકીય અને સામાજિક મોરચે મોટો ગરમાવો જોવા મળી શકે છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
