તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 5th August 2026
વડોદરા પોલીસની મોટી કાર્યવાહી :સ્કોર્પિયો કારમાં જતા દંપતી પાસેથી 1.39 કિલો મેફેડ્રોન સહિત 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત
લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-4ની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ લઈ જવાતો મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો :ગોલ્ડન ચોકડીથી લેક્ઝોન તરફ જતા માર્ગ પર એરફોર્સ ગેટ સામે એક સ્કોર્પિયો કારને અટકાવી તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો મળ્યો

શહેરમાં ડ્રગ્સના ગેરકાયદે નેટવર્ક સામે વડોદરા પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે. વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-4ની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી મધ્યપ્રદેશથી અમદાવાદ તરફ લઈ જવાતો મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે ગોલ્ડન ચોકડીથી લેક્ઝોન તરફ જતા માર્ગ પર એરફોર્સ ગેટ સામે એક સ્કોર્પિયો કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પતિ-પત્ની પાસેથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર કેસમાં કુલ ₹57.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વડોદરા LCB ઝોન-4ની ટીમને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક સ્કોર્પિયો કારમાં MD ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયો કાર આવતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાં સવાર દંપતી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ તાલુકાના સુરજની ગામમાં રહેતા અય્યુબખાન મોહમ્મદજમાનખાન અને તેની પત્ની નાઝમીન ડ્રગ્સના ગેરકાયદે ધંધામાં સંકળાયેલા હતા.આરોપી નાઝમીને પોતાના શરીરના છાતીના ભાગે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હતો. બંને પોતાની માલિકીની મહિન્દ્રા સ્કોર્પિયો કારમાં મંદસૌરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
