News of Wednesday, 5th August 2026
માહિતી કમિશનરની કચેરી દ્વારા ડિજિટલ સેવાનો વિસ્તાર : હવે ‘ગુજરાત’ પાક્ષિક અને ‘ગુજરાત રોજગાર સમાચાર’નું વાર્ષિક લવાજમ ઓનલાઈન ભરી શકાશે
વેબસાઈટ અને ક્યુઆર કોડથી ઘરે બેઠા નવી નોંધણી તથા રિન્યૂઅલ થશે : વાર્ષિક રૂ. ૫૦માં પાક્ષિક અને રૂ. ૩૦માં રોજગાર સમાચાર ઉપલબ્ધ બનશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વર્ષ ૧૯૬૦થી સતત પ્રકાશિત થતા ગુજરાત સરકારના અધિકૃત મુખપત્ર ‘ગુજરાત’ પાક્ષિક અને યુવાનો માટે ઉપયોગી ‘ગુજરાત રોજગાર સમાચાર’ નામના લોકપ્રિય પ્રકાશનોએ હવે સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત સરકારના માહિતી કમિશનરની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રજાભિમુખ અભિગમ હેઠળ વાચકો અને સ્પર્ધકો હવે આ બંને પ્રકાશનોનું લવાજમ ઓનલાઈન માધ્યમથી ભરી શકશે. હવે વાચકો ઘરે બેઠા જ અત્યંત સરળતાથી નવા લવાજમની નોંધણી તેમજ જૂના લવાજમનું રિન્યૂઅલ કચેરીની સત્તાવાર વેબસાઈટ [https://gujaratinformation.gujarat.gov.in/Index](https://gujaratinformation.gujarat.gov.in/Index) પરથી કરી શકશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે પથદર્શક સાબિત થતા ‘ગુજરાત’ પાક્ષિકનું વાર્ષિક લવાજમ માત્ર રૂ. ૫૦ અને ‘ગુજરાત રોજગાર સમાચાર’નું વાર્ષિક લવાજમ દર સાવ નજીવા એટલે કે રૂ. ૩૦ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત માહિતી કમિશનરની કચેરીની પ્રકાશન શાખા દ્વારા પ્રકાશિત થતા તમામ પ્રકાશનો તથા મેગેઝિન વેબસાઈટ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.
માહિતી કમિશનરની કચેરી દ્વારા દર પખવાડિયે પ્રસિદ્ધ થતા ‘ગુજરાત’ પાક્ષિકમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, નીતિઓ, વિકાસલક્ષી કાર્યક્રમો, વિદ્યાર્થી ઉપયોગી માહિતી, સાફલ્ય ગાથાઓ, આરોગ્યલક્ષી ઉપચાર, પ્રાકૃતિક કૃષિ, વિજ્ઞાન અને પુસ્તક પરિચય જેવા વિષયો આવરી લેવાય છે. ચાલુ વર્ષ ૨૦૨૬ને ‘પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર કરાયું હોવાથી પાક્ષિકમાં રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની સવિસ્તર વિગતો પણ આપવામાં આવે છે. બીજી તરફ, દર અઠવાડિયે પ્રકાશિત થતા ‘ગુજરાત રોજગાર સમાચાર’ દ્વારા યુવાનોને રોજગારીના નવતર અવસરો અંગે ત્વરિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
વાચકોની સુવિધા અર્થે પ્રત્યેક અંકમાં ઓનલાઈન લવાજમ ચૂકવવા માટે વિશેષ QR કોડ પણ છાપવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી ૧૬,૯૨૩ ‘ગુજરાત’ પાક્ષિકની અને ૧૭,૮૧૬ ‘ગુજરાત રોજગાર સમાચાર’ની ડિજિટલ નકલો વાચકો દ્વારા ઉત્સાહભેર ડાઉનલોડ કરવામાં આવી હતી. આ પ્રકાશનો અંગે વધુ જાણકારી કે લવાજમ સંબંધી માહિતી મેળવવા માટે ફોન નંબર 079-232-53440/53442 અથવા [email protected] ઈમેલ પર સંપર્ક સાધી શકાશે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
