તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય તંત્ર દ્વારા સઘન સર્વેલન્સ અને વેક્ટર કંટ્રોલ કામગીરી કરવામાં આવી
૩૮૯ ટીમ દ્વારા ૧૩ લાખથી વધુ વસ્તી અને ૨.૫૩ લાખ ઘરોમાં સઘન આરોગ્ય સર્વેલન્સ પૂર્ણ : કાદવ-કીચડ, પાણી ભરાયેલા વિસ્તારોમાં પોરાનાશક દવાનો છંટકાવ, ફોગીંગ અને ઈન્ડોર રેસીડયુઅલ સ્પ્રેની કામગીરી સુનિશ્ચિત કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોનો ઉપદ્રવ ન વધે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક કદમ ઉઠાવવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના સીધા સુપરવિઝનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન વેક્ટર કંટ્રોલ કામગીરી હાથ ધરાઈ છે.
રોગ નિયંત્રણ અને સર્વેલન્સ અંગેની મુખ્ય કામગીરી:
ઘર-ઘર સર્વેલન્સ અને રેપિડ ટેસ્ટ: છેલ્લા આઠ દિવસ દરમિયાન ૩૮૯ ટીમો દ્વારા ૨,૫૩,૩૦૪ ઘરો અને ૧૩,૦૦,૭૩૫ વસ્તીને આવરી લેવામાં આવી છે. તાવના દર્દીઓ શોધી સ્થળ પર જ જરૂરિયાત મુજબ આરડીટી (RDT) દ્વારા લોહીના નમૂના ચકાસવામાં આવ્યા છે, જેમાં હાલ મેલેરિયા કે ડેન્ગ્યુના કેસો નોંધાયા નથી.
•પોરાનાશક અને જંતુનાશક કાર્યવાહી: મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની ઓળખ કરી ભરાયેલા પાણીમાં એબેટ, ડાયફલુબેન્ઝયુરોન અને MLO(મોસ્કીટો લાર્વીસીડલ ઓઈલ) નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
• ફોગીંગ અને સ્પ્રે કામગીરી: સ્થાનિક ગ્રામ પંચાયતોના સહયોગથી કાદવ-કીચડ વાળા વિસ્તારોમાં ચૂનાનો છંટકાવ, મચ્છરના ઉપદ્રવ સામે ફોગીંગ અને ચાંદીપુરા શંકાસ્પદ વિસ્તારોમાં મેલેથીયોન ડસ્ટીંગ તથા આલ્ફાસાયપરમેથ્રીન ૫% થી ઈન્ડોર રેસીડયુઅલ સ્પ્રે (IRS) કામગીરી કરવામાં આવી છે.
• જનજાગૃતિ અને સફાઈ અભિયાન: આશા કાર્યકરો અને હેલ્થ વર્કરો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ આરોગ્ય શિક્ષણ આપવા સાથે શાળાઓ અને જાહેર સ્થળોએ પેમ્ફલેટ, બેનર અને માઇકિંગ દ્વારા નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા આરોગ્ય તંત્રની જાહેર જનતાને અપીલ:
૧. ઘરની આસપાસ, અગાશી કે ખુલ્લા વાસણોમાં પાણી ભરાવા ન દો.
૨. પાણી સંગ્રહના વાસણો સપ્તાહમાં એકવાર સાફ કરી ઢાંકીને રાખો.
૩. તાવ આવે તો સ્વ-દવા કરવાને બદલે તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
૪. આખી બંયના કપડાં પહેરો અને સવાર-સાંજ ઘરના બારી-બારણા બંધ રાખવા તેમજ મચ્છરદાની કે રીપેલેન્ટનો ઉપયોગ કરવો.
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ રોગપ્રતિકારક પગલાં સક્રિય રીતે અમલી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
