<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓ માટે નશા મુક્ત યુવા અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ સેમિનારનું ભવ્ય આયોજન કરાયું

માય ભારત અને સૂફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં ૧૫૦૦ જેટલા કેદીઓએ નશા મુક્ત ભારતની પ્રતિજ્ઞા લીધી : જેલ સુપરિન્ટેન્ડન્ટ શ્રીમતી ઉષા રાડા, રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટક સહિત તબીબી અને કાનૂની નિષ્ણાતોએ પૂરું પાડ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન

વડોદરા: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત 'માય ભારત' (MY Bharat) ના અધિકૃત સહયોગી સૂફી ઇસ્લામિક બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા નશા મુક્તિ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય જેલ વિભાગના સમન્વયથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે "વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા અભિયાન" વિષય પર એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે બપોરે ૩:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં નાર્કોટિક્સ અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં જેલવાસ ભોગવી રહેલા આશરે ૧૫૦૦ જેટલા કેદીઓએ હાજરી આપીને જાગૃતિ સંદેશ મેળવ્યો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ કેદીઓમાં નશામુક્ત જીવનશૈલી અંગે ચિંતન જાગૃત કરવાનો, સ્વદેશી ભારતનો ભાવ કેળવવાનો અને નશા મુક્ત યુવા પ્રતિજ્ઞા માટે પ્રેરણા આપવાનો હતો.

 

આ પ્રસંગે જેલ સુપરિન્ટેન્ડન્ટ શ્રીમતી ઉષા રાડા, રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટક, ભરૂચની જીએનએફસી હોસ્પિટલના મેડિકલ હેડ ડો. સુષ્મા પટેલ તેમજ આયોજક પ્રતિનિધિઓ તરીકે સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અનવર હુસૈન શેખ, ગુજરાત હાઈકોર્ટના પેનલ એડવોકેટ શ્રીમતી અમન શેખ અને એડવોકેટ સુશ્રી આમેના અઘાડી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે જેલ પ્રશાસનના અધિકારીઓ દ્વારા તમામ આમંત્રિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને તુલસીના રોપા અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

સેમિનારની શરુઆતમાં સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનવર હુસૈન શેખે સ્વાગત પ્રવચન આપતાં માય ભારત અને બોર્ડના સામાજિક ઉદ્દેશ્યો સ્પષ્ટ કર્યા હતા. તેમણે કેદીઓને નશામુક્ત જીવન અપનાવીને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ તબીબી નિષ્ણાત ડો. સુષ્મા પટેલે નશાકારક પદાર્થોના સેવનથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડતી ગંભીર અસરો અંગે માહિતી આપી સ્વાસ્થ્યલક્ષી જાગૃતિ કેળવવા અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન વડોદરા સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટ શ્રીમતી ઉષા રાડાએ કેદીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભૂતકાળની ભૂલોને પાછળ છોડી નશાના વ્યસનમાંથી કાયમી મુક્તિ મેળવી પોતાના જીવનનું પુનઃનિર્માણ કરવું જરૂરી છે, જેથી સમાજમાં ફરીથી સન્માનપૂર્વક સ્થાન મેળવી શકાય. રક્ષા વિશેષજ્ઞ હિરેન કોટકે પોતાના વક્તવ્યમાં નશાના કારણે દેશ અને સમાજને થતા આર્થિક તથા સામાજિક નુકસાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કરવામાં આવી રહેલી કડક કાનૂની કાર્યવાહીને બિરદાવી હતી અને ઉમેર્યું હતું કે જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓ સમાજમાં સકારાત્મક સંદેશ વાહક બની આ અભિયાનને વધુ વેગ આપી શકે છે.

 

સેમિનારના ઉત્તરાર્ધમાં ગુજરાત હાઈકોર્ટના પેનલ એડવોકેટ શ્રીમતી અમન શેખ દ્વારા ઉપસ્થિત તમામ ૧૫૦૦ કેદીઓને "નશા મુક્ત ભારત પ્રતિજ્ઞા" લેવડાવવામાં આવી હતી. આ સમગ્ર આયોજન દ્વારા કેદીઓના માનસમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને તેમને પુનઃ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને જેલ ઓફિસર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(9:45 PM IST)