<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

એનાલોગ પનીર સામે હર્ષ સંઘવીની મોટી ચેતવણી :કાર્યવાહી માત્ર દંડાત્મક નહિ પરંતુ ગુનેગાર તરીકે કેસ દાખલ કરાશે જરૂર પડે તો એકમ સીલ કરાશે

રાજ્યમાં આવા પદાર્થનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ કાયદેસર ગુનો ગણાશે. અધિકારીઓને બજારમાં ઉપલબ્ધ પનીર, ચીઝ, બટર અને અન્ય ડેરી ઉત્પાદનોની તપાસ કરવા સૂચના

ગાંધીનગર : રાજ્ય સરકારે એનાલોગ પનીર સામે મોટું પગલું ભરતાં તેના વેચાણ અને ઉત્પાદન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું ગેઝેટ જાહેર કર્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિસ્તૃત નિયમો સાથે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે જાહેર કરાયેલા નોટિફિકેશન બાદ હવે રાજ્યભરમાં અમલવારી શરૂ થઈ ગઈ છે. સરકારના આ નિર્ણય પછી અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટ સહિતના શહેરોમાં ફૂડ સેફ્ટી વિભાગની ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એનાલોગ પનીર અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. ગેઝેટ અનુસાર રાજ્યમાં આવા પદાર્થનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ કાયદેસર ગુનો ગણાશે. અધિકારીઓને બજારમાં ઉપલબ્ધ પનીર, ચીઝ, બટર અને અન્ય ડેરી ઉત્પાદનોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં વધુ સઘન ચેકિંગ હાથ ધરાશે.

 

 

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા તમામ સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી નહીં રહે, પરંતુ ગુનેગાર તરીકે કેસ દાખલ કરવામાં આવશે. જરૂર પડે તો દુકાનો અને એકમો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ માટે વિશેષ ટાસ્ક ફોર્સ પણ તૈયાર કરવામાં આવશે.

(8:29 PM IST)