News of Thursday, 6th August 2026
અનેક આદિવાસી વિદ્યાર્થીઓને સહાય મળતી નથી: સંચાલકો વસૂલી રહ્યા છે ફી : આર્થિક સંકટ વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર: યુવરાજસિંહના આક્ષેપો
યુવરાજસિંહે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા : બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવાની માગ સાથે 9 ઓગસ્ટ બાદ બિરસા મુંડા કચેરીના ઘેરાવની ચેતવણી આપી

અમદાવાદ :પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે યુવરાજસિંહે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અનેક આદિવાસી વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. યુવરાજસિંહના જણાવ્યા અનુસાર શિષ્યવૃત્તિ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અટકતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે.
યુવરાજસિંહનો આક્ષેપ છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની રકમ સમયસર ન મળતા કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરી રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ વધુ ગંભીર બની છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે શિષ્યવૃત્તિ અટકતા સંચાલકો વિદ્યાર્થીઓ પર ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે અનેક વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ અભ્યાસ ચાલુ રાખવા મજબૂર બન્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ ફી ભરવા માટે ઉધાર લેવું પડે છે. આવી સ્થિતિમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું આદિવાસી વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ બની રહ્યું હોવાનું યુવરાજસિંહે જણાવ્યું હતું.
યુવરાજસિંહે રાજ્ય સરકારને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની બાકી રકમ તાત્કાલિક ચૂકવવાની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓનો અધિકાર છે અને તેમાં વિલંબ કરવો એ ગરીબ તથા આદિવાસી સમાજ સાથે અન્યાય સમાન છે. તેમણે સરકારને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો.
આંદોલનને વધુ તેજ બનાવવાની ચેતવણી આપતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ બાદ બિરસા મુંડા કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. તેમણે આદિવાસી સમાજ, વિદ્યાર્થીઓ અને વાલીઓને આંદોલનમાં જોડાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ શિષ્યવૃત્તિનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
યુવરાજસિંહે દાવો કર્યો હતો કે આદિવાસી વિદ્યાર્થીઓને મળવાપાત્ર શૈક્ષણિક સહાયમાં વિલંબ થવો એ માત્ર વહીવટી ખામી નથી, પરંતુ આદિવાસી સમાજના શિક્ષણ સાથે જોડાયેલા હિતોને નુકસાન પહોંચાડે છે. તેમણે સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
