News of Friday, 7th August 2026
શનિવારથી વરસાદનો મધ્યમ રાઉન્ડ: 3 દિવસ અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદી ઝાપટા પડશે :પરેશ ગોસ્વામીની આગાહી
બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય થતાં ઓગસ્ટના અંતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે

અમદાવાદ : રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. અત્યાર સુધીના વરસાદી રાઉન્ડમાં રાજ્યના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે. જો કે ચોમાસાની સિઝનને બે મહિના થવા આવ્યા હોવા છતાં સૌરાષ્ટ્રમાં વરસાદની અછતને પગલે ખેડૂતોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં વરસાદી માહોલને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગુજરાતભરમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં મિશ્ર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. ગુજરાતમાં હાલ તાપમાન સામાન્ય સ્તરે એટલે કે 28 થી 30 ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે, જે આગામી 10 ઓગસ્ટ સુધી યથાવત રહી શકે છે.
તેમજ પવનની ગતિમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે રાજ્યમાં 20 થી 24 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 10 ઓગસ્ટ સુધી પવનની ગતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. બીજુ આગામી 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નથી.
આમ છતાં આગામી 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોમાં છૂટાછવાયા હળવા કે મધ્યમ ઝાપટા વરસી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અરબ સાગર અને બંગાળની ખાડી બન્ને સક્રિય થવાની છે. જેના પગલે ગુજરાતમાં વધુ એકવાર વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળી શકે છે. આ સમયગાળામાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સહેજ તીવ્રતા રહી છે, જ્યારે અન્ય ભાગોમાં મોટાભાગે આકાશ ખુલ્લુ જોવા મળ્યું છે. જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 6 મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય સુબીર, ઉકાઈ અને ખાનપુર તાલુકામાં 5-5 મિ.મી તેમજ ફતેપુરા, માંડવી, નાનાપોંઢામાં 4-4 મિ.મી વરસાદ વરસ્યો છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
