<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ધંધુકા-વલ્લભીપુર કેનાલના UGPL પ્રોજેક્ટ અંગે વિપક્ષના આક્ષેપો પર સરકારનું સ્પષ્ટીકરણ : તમામ આક્ષેપો તથ્યવિહોણા અને ગેરમાર્ગે દોરનારા

નિષ્ણાતો અને ઉચ્ચસ્તરીય કમિટીના તકનીકી અભિપ્રાયો આધારે જ નિર્ણયો લેવાયા : ૧.૮૬૫ કિમીનું બાકી કામ પૂર્ણ થતાં વધુ ૧૨,૦૪૧ હેક્ટરમાં સિંચાઈ સુવિધા મળશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ધંધુકા-વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળના અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન (UGPL) પેકેજ-III કામગીરી અંગે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ (SSNNL) દ્વારા તથ્યવિહોણા, અર્ધસત્ય અને ટેકનિકલ બાબતોને અવગણનારા ગણાવીને વિગતવાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર કામગીરી પારદર્શક વહીવટ, ગુણવત્તા નિયંત્રણ અને જાહેર નાણાંના યોગ્ય ઉપયોગની કટિબદ્ધતા સાથે હાથ ધરવામાં આવી છે.

 

વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળના યુજીપીએલના કુલ સાત પેકેજોના કામ વર્ષ ૨૦૧૭માં અલગ-અલગ એજન્સીઓને સોંપાયા હતા. અમલીકરણ દરમિયાન જીઆરપી પાઇપોની સ્ટિફનેસ અને કરારની જોગવાઈઓ અંગે ગુણવત્તા નિયંત્રણ વિભાગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તેમજ નિષ્ણાતો દ્વારા આઈએસ કોડ અને ટેન્ડરની શરતોનો વિગતવાર અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરાયો હતો. આ મુદ્દે ઉચ્ચસ્તરીય વિભાગીય સમિતિની રચના કરી, તેની ભલામણો બાદ જ સક્ષમ સ્તરે તમામ સાત પેકેજો માટે નિયમસર મંજૂરી આપવામાં આવી હતી.

 

સિંચાઈ સુવિધા અને સ્થળ પરની સ્થિતિ:

સ્પષ્ટીકરણમાં જણાવ્યા મુજબ, ૦૭ પેકેજો પૈકી ૦૪ ડિસ્ટ્રીબ્યુટરીના ૦૪ પેકેજોમાં પાઇપલાઇન મારફતે છેડા સુધી પાણી પહોંચાડી ૧૪,૫૧૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે અન્ય એક ડિસ્ટ્રીબ્યુટરીના ૩ પેકેજ એક જ પથરેખા પર હોવાથી, પાણીપુરવઠા પાઇપલાઇન અને ધોલેરા એક્સપ્રેસ-વે ક્રોસિંગના કારણે કામ અટક્યું હતું. હાલ આ બંને ક્રોસિંગ માટે વર્ક ઓર્ડર આપી કામગીરી પ્રગતિમાં છે, જે પૂર્ણ થતાં વધુ ૧૨,૦૪૧ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ તમામ પેકેજોમાં ટેન્ડરની જોગવાઈ મુજબના જ વ્યાસની પાઇપો નાખવામાં આવી છે.

 

પાઇપો ગાયબ હોવાના આક્ષેપનું ખંડન:

૩૬૦ મીટર જીઆરપી પાઇપ અંગે ભ્રામક પ્રચારનો જવાબ આપતાં જણાવાયું છે કે, ધોલેરા એસઆઈઆર અંતર્ગત એક્સપ્રેસ-વેના ઝડપી વિકાસ અને સ્થાનિક અવરોધોના કારણે અંદાજે ૧.૮૬૫ કિમી પાઇપલાઇનનું કામ બાકી રહ્યું હતું. આ માટે ખરીદવામાં આવેલી ૩૬૦ મીટર પાઇપો હાલ વિભાગના કેમ્પસમાં સંપૂર્ણ સુરક્ષિત છે, જેનો ભવિષ્યમાં અન્યત્ર ઉપયોગ કરાશે. તેથી પાઇપો ગાયબ થવાના આક્ષેપો પાયાવિહોણા છે.

 

આ ઉપરાંત, ખેડૂતો પાસેથી જમીન ઉપયોગની સંમતિ (RoU) ન મળવા જેવા સ્થાનિક કારણોસર અમુક ભાગનું કામ પૂર્ણ થઈ શક્યું નહોતું. જે પેકેજનું કામ અધૂરું છે તેનો કરાર બંધ કરાયો નથી કે ૫ વર્ષનું મેન્ટેનન્સ શરૂ કરાયું નથી, જેથી અધૂરા કામને પૂર્ણ જાહેર કર્યાનો આક્ષેપ પણ ખોટો છે. મહાલેખાકાર (CAG) ઓડિટ એ એક સતત અને નિયમિત વહીવટી પ્રક્રિયા છે, જેમાં નિગમ દ્વારા પ્રાથમિક નોંધોના આધારે ફેક્ચ્યુઅલ જવાબો રજૂ કરવામાં આવ્યા છે. માત્ર પ્રાથમિક નોંધોના આધારે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા તે જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે.

(10:16 AM IST)