<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાદાયી પહેલ : ગાંધીનગરમાં 'ગરવી ગુર્જરી' શોરૂમની મુલાકાત લઈ હેન્ડલૂમ પ્રોડક્ટ્સની ખરીદી કરી

વોકલ ફોર લોકલના મંત્રને વેગ આપી નાના કારીગરોને આર્થિક પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને ઝીલી : મુખ્ય સચિવ એમ.કે. દાસ અને એમ.ડી. શ્રીમતી આદ્રા અગ્રવાલ રહ્યા ઉપસ્થિત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા 'વોકલ ફોર લોકલ'ના મંત્રને વધુ વેગ આપવા અને રાજ્યના નાના તેમજ ગરીબ હાથશાળ કારીગરોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારત બનાવવાની કટિબદ્ધતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ખરીદી કરી છે. ૭મી ઓગસ્ટના રોજ ઉજવાતા રાષ્ટ્રીય હાથવણાટ દિવસ (નેશનલ હેન્ડલૂમ ડે) ના અવસરે તેમણે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સાહસ 'ગરવી ગુર્જરી'ના શોરૂમની મુલાકાત લીધી હતી અને વિવિધ હેન્ડલૂમ પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે દેશવાસીઓને સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સ ખરીદીને ગ્રામીણ ગરીબો અને કારીગરોની આવકમાં વધારો કરવા તથા દેશના સમૃદ્ધ હાથવણાટ વારસાને પ્રોત્સાહિત કરવા ખાસ અપીલ કરી હતી. વડાપ્રધાનની આ હાકલને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વયં ગરવી ગુર્જરીમાંથી ખરીદી કરીને રાજ્યના નાગરિકો સામે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

 

મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરવી ગુર્જરીના કર્મયોગીઓ સાથે સાહજિક સંવાદ સાધ્યો હતો અને વેચાણ અર્થે મૂકાયેલી વિવિધ કલાત્મક હેન્ડલૂમ વસ્તુઓ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમની સાથે મુખ્ય સચિવ એમ.કે. દાસ તેમજ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમ 'ગરવી ગુર્જરી'ના એમ.ડી. અને સચિવ શ્રીમતી આદ્રા અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને કલાત્મકતાના પ્રતીક સમાન હાથવણાટ ઉત્પાદનો ગ્રામીણ અર્થતંત્રનો મુખ્ય આધાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૧૯૦૫માં શરૂ થયેલી સ્વદેશી ચળવળની યાદમાં તથા નાના ગ્રામીણ કારીગરોને આર્થિક સમૃદ્ધિ અને સન્માન અપાવવાના હેતુથી વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૭મી ઓગસ્ટને 'નેશનલ હેન્ડલૂમ ડે' તરીકે ઉજવવાની ઐતિહાસિક પરંપરા શરૂ કરાવી છે.

(1:17 PM IST)