<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

વ્યારામાં 15 ઓગસ્ટે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમને લઈ કલેક્ટર દેવ ચૌધરીએ તૈયારીઓની સમીક્ષા કરી, તમામ વિભાગોને સમયસર વ્યવસ્થા પૂર્ણ કરવા સૂચના

તાપી જિલ્લામાં 15 ઓગસ્ટે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજાશે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશભાઈ મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવશે, પરેડની સલામી ઝીલશે તેમજ જિલ્લાવાસીઓને સંબોધન કરશે.
રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ, શિસ્તબદ્ધ અને યાદગાર બને તે માટે જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પૂર્વ આયોજન બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કાર્યક્રમની તમામ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરે કાર્યક્રમ સ્થળે મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, વાહન પાર્કિંગ, પોલીસ બેન્ડ અને પરેડની તૈયારીઓ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તબીબી સેવાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
તેમણે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી રાષ્ટ્રીય પર્વની ગરિમાને અનુરૂપ કોઈપણ પ્રકારની ખામી ન રહે તે રીતે કામગીરી કરવા ભાર મૂક્યો હતો. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે દરેક વિભાગે જવાબદારીપૂર્વક અને સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી.
આ પૂર્વ આયોજન બેઠકમાં જિલ્લા પોલીસ વડા જે. એન. દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:41 PM IST)