<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

આપ ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં હાઇકોર્ટે સુનાવણી સુધી મુલતવી રાખી : સોમવારે ચુકાદો આવવાની શક્યતા

વનકર્મી પર હુમલો અને ફાયરિંગ કેસમાં નીચલી કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. આગામી સોમવારે હાઇકોર્ટ ચૈતર વસાવાના જામીન અંગે પોતાનો આખરી ચુકાદો આપી શકે છે, જેને લઈને રાજકીય ક્ષેત્રે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લામાં વન વિભાગના કર્મચારી પર હુમલો કરવા, ધમકી આપવા તેમજ રંગેહાથ હવામાં ફાયરિંગ કરવા બદલ ગંભીર ગુનો નોંધાયો હતો. આ ચર્ચાસસ્પદ કેસમાં નીચલી અદાલતે તેમને કસૂરવાર ઠેરવીને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજા સામે અને જામીન મેળવવા માટે તેમણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

 

ચૈતર વસાવાના કાનૂની તજજ્ઞો દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો અને સરકારી પક્ષની રજૂઆતો બાદ હાઇકોર્ટે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે. કાનૂની નિષ્ણાતોના મતે સોમવારે યોજાનારી સુનાવણી દરમિયાન હાઇકોર્ટ દ્વારા જામીન અરજી પર અંતિમ નિર્ણય કે આદેશ સંભળાવવામાં આવી શકે છે. સોમવારના ચુકાદા પર જ ચૈતર વસાવાની જેલ મુક્તિ કે જેલવાસનો આધાર રહેશે.

(6:45 PM IST)