તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
TET-1 ભરતી પ્રક્રિયાને હાઈકોર્ટની મંજૂરી: અંદાજે 10 હજાર વિદ્યાસહાયકોની નિમણૂક થશે
હાઈકોર્ટમાં અરજી કરનાર 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ ખાલી રખાશે જ્યારે બાકીના ઉપલબ્ધ પદો પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે

અમદાવાદ :રાજ્યમાં લાંબા સમયથી અટવાયેલી TET-1 ભરતી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના વચગાળાના પ્રસ્તાવને લીલીઝંડી મળતાં હવે ભરતી પ્રક્રિયા આગળ વધવાનો માર્ગ મોકળો બન્યો છે. સરકારના આ નિર્ણયથી હજારો ઉમેદવારોને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કેટલાક ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અરજીને કારણે ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. આ સ્થિતિમાં ભરતીને વધુ વિલંબ ન થાય તે માટે સરકારે વચગાળાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હાઈકોર્ટે આ પ્રસ્તાવને મંજૂરી આપતાં હવે ભરતી પ્રક્રિયા આગળ વધશે.
સરકારના પ્રસ્તાવ મુજબ, હાઈકોર્ટમાં અરજી કરનાર 700થી વધુ ઉમેદવારોની જગ્યાઓ હાલ માટે ખાલી રાખવામાં આવશે. જ્યારે બાકીના ઉપલબ્ધ પદો પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આથી ભરતી પર લાગેલો લાંબો વિરામ હવે દૂર થવાની શક્યતા છે અને હજારો લાયક ઉમેદવારોને નિમણૂકનો લાભ મળશે.
સરકારે અગાઉ 11 હજાર ભરતીની જાહેરાત કરી હતી. જોકે હાલની વ્યવસ્થા મુજબ અંદાજે 10 હજાર વિદ્યાસહાયકોની નિમણૂક કરવામાં આવશે. વિવાદમાં રહેલી જગ્યાઓને અલગ રાખીને અન્ય તમામ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ નિર્ણયથી શિક્ષણ વિભાગમાં લાંબા સમયથી ખાલી રહેલા પદો ભરવાની પ્રક્રિયાને ગતિ મળશે.
મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે વર્ષ 2027 દરમિયાન પણ આશરે 5 હજાર જેટલા પદો પર ભરતી કરવાની રાજ્ય સરકારની યોજના છે. તેથી હાલ અરજી કરનાર ઉમેદવારો માટે પણ ભવિષ્યમાં પૂરતી તકો ઉપલબ્ધ રહેશે. સરકાર પાસ થયેલા અરજદાર ઉમેદવારોના હિતોને પણ ધ્યાનમાં રાખશે અને તેમની ચિંતા કરવામાં આવશે.
TET-1 ભરતીમાં કેટલાક ગેરલાયક ઠરેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ સમગ્ર ભરતી પ્રક્રિયા અટકી ગઈ હતી. હવે હાઈકોર્ટની મંજૂરી મળતાં સરકારના વચગાળાના ઉકેલથી ભરતીને ફરી ગતિ મળશે. લાંબા સમયથી નિમણૂકની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
