તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિસનગરના સદુથલા ખાતે રાત્રિ સભામાં ગ્રામજનો સાથે સાધ્યો આત્મીય લોકસંવાદ
આજની પેઢી અને આવનારા ભવિષ્યને બચાવવા માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવે: રાજ્યપાલનું આહવાન:રાજ્યપાલએ સદુથલાની પ્રાથમિક શાળા ખાતે જ રાત્રિ મુકામ કર્યો

મહેસાણા જિલ્લાના સદુથલા ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સદુથલા સ્થિત ઉમેદપૂરી વાડી ખાતે ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજીને આત્મીય લોકસંવાદ સાધ્યો હતો.
આ રાત્રિ સભામાં ગ્રામીણ ઉત્થાન અને કૃષિ વિષયક બાબતો પર સવિસ્તાર ચર્ચા કરતા તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની પેઢી અને આવનારા ભવિષ્યને બચાવવા માટે આપણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી એ આપણી નૈતિક જવાબદારી છે. જો ગામડા પ્રાકૃતિક ખેતી અપનાવતા થશે, તો આખું રાષ્ટ્ર આપોઆપ તંદુરસ્ત અને સમૃદ્ધ બનશે. રાજ્યપાલએ આ પ્રસંગે રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો.
રાજ્યપાલએ ખાસ કરીને નવી પેઢીના ઘડતર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, જો સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે, તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત રહેશે. પોતાના બાળકોને શિક્ષિત બનાવવા અને તેમને પૂરેપુરો અભ્યાસ કરાવવા પર ભાર મૂક્યો હતો. બાળકને શિક્ષિત અને સંસ્કારી બનાવશો તો તે ધન એકઠું કરી લેશે પણ જો તે વ્યસની બનશે તો ભેગું કરેલું ધન પણ વેડફી દેશે. બાળકોને સંસ્કારી બનાવવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો. તેમણે યુવાઓને વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યપાલએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે એક વિશેષ અભિયાન આદર્યું છે. પ્રાકૃતિક કૃષિના આ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે ગુજરાતના અનેક ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે ત્યારે વિસનગર તાલુકાના સદુથલા ગામે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના માર્ગદર્શન માટે પધારવા બદલ સમસ્ત ગ્રામજનો વતી મંત્રીએ રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રવાસ દરમ્યાન રાજ્યપાલએ સદુથલા પ્રાથમિક શાળા ખાતે સામાન્ય ઓરડામાં જ રાત્રિ મુકામ કર્યો હતો, જે તેમની સાદગી દર્શાવે છે.
આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શાલિની દુહાન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ અને ગામના સરપંચ સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
