તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
સાગબારા જંગલ જમીન વિવાદે ફરી હલચલ મચાવી; આદિવાસી સમાજનો અસંતોષ અને વિરોધ યથાવત: સાંસદ મનસુખભાઇ વસાવા આક્રમક મૂડમાં
સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટ અને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ ગરીબ કે સ્થાનિક નાગરિકની માલિકીની જમીન છીનવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, અહીં માત્ર વર્ષો જૂના ખેડાણની વાત છે

નર્મદા જિલ્લાના સાગબારા જંગલ જમીન વિવાદે ફરી એકવાર રાજકીય, પ્રશાસનિક અને સામાજિક સ્તરે ભારે હલચલ મચાવી દીધી છે. જંગલ જમીન ખેડાણ અને માલિકીના પ્રશ્ને આદિવાસી સમાજનો અસંતોષ અને વિરોધ સતત યથાવત રહ્યો છે, ત્યારે આ ગંભીર મુદ્દે ઉકેલ લાવવા માટે અને આદિવાસીઓના હિતોની રક્ષા માટે સાગબારા ખાતે એક વિશેષ ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતા અને સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય દર્શના દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર ખૂબ જ આક્રમક અને તેવરવાળા મડૂમાં નજરે પડ્યા હતા, જેમણે વહીવટી તંત્ર અને જંગલ વિભાગની કાર્યશૈલી સામે ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા હતા.
આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટ અને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ ગરીબ કે સ્થાનિક નાગરિકની માલિકીની જમીન છીનવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, અહીં માત્ર વર્ષો જૂના ખેડાણની વાત છે. તેમણે સાગબારાના નાલ-ખોપી વિસ્તારના નાગરિકો અંગે ફેલાવવામાં આવતી અફવાઓનો કડક શબ્દોમાં વિરોધ કરતા કહ્યું હતું કે અહીંના લોકો નક્સલવાદી નથી અને સ્થાનિક આદિવાસીઓએ ક્યાંય પણ કોઈ પ્રકારની ગેરકાયદે ઘૂસણખોરી કરી નથી. વર્ષોથી જે જૂના ખેડાણ ચાલુ છે તે કોઈપણ અડચણ વિના યથાવત જ રહેવા જોઈએ તેવી મક્કમ માંગ તેમણે દોહરાવી હતી.
વધુમાં, તેમણે વહીવટી તંત્ર પર પ્રહાર કરતા ગંભીર આક્ષેપ કર્યો હતો કે જંગલ વિભાગ દ્વારા આદિવાસીઓની આશરે 500 એકર જેટલી જમીન બળજબરીથી ખાલી કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે સાંખી લેવામાં નહીં આવે. સાંસદે ચીમકી ઉચ્ચારી હતી કે આદિવાસીઓના હક, અધિકાર અને ન્યાય માટે તેઓ કોઈપણ ભોગે ક્યારેય ચૂપ નહીં બેસે અને મૌન નહીં રહીએ. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે જંગલ વિભાગ જાણી જોઈને ઉમરપાડા અને સાગબારા વિસ્તારના લોકો વચ્ચે અંદરોઅંદર વિવાદ ઊભો કરવાનું કામ કરી રહ્યો છે, જેને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અટકાવવું જોઈએ.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
