News of Saturday, 8th August 2026
'દિવ્યાંગ બસ પાસ'ને ડિજિલોકર સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે બહુમાન મળ્યું : દિવ્યાંગ બસ પાસનું ડિજિલોકર સાથેનું જોડાણ એ ટેકનોલોજી દ્વારા શાસનને વધુ સુલભ, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કામગીરી
"સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે તમામ દિવ્યાંગ બસ બસ પાસને ડિજિલોકર સાથે જોડી દીધા છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આવા 4.42 લાખથી વધુ પાસ ઈશ્યૂ કરવામાં આવ્યા છે, જેનાથી લાભાર્થીઓ તમામ એસ.ટી બસોમાં મફત મુસાફરી કરી શકે છે : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૮ : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે સ્ટેટ ઈ-ગવર્નન્સ મિશન ટીમ (SeMT), ગુજરાતનાં સહયોગથી દિવ્યાગ બસ પાસ ડિજિલોકર સાથે જોડી દીધા છે. ગુજરાત સરકારની આ નાગરિક-કેન્દ્રિત ડિજિટલ ગવર્નન્સ પહેલની રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઇ છે.
રાજ્યમાં તમામ દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવાનાં આ નવતર પ્રયોગ બદલ ભારત સરકાર દ્વારા ગુજરાતને ‘એક્સેલન્સ ઇન સિટિઝન-સેન્ટ્રિક ડિજિટલ ગવર્વન્સ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ વ્યકિતઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ સંચાલિત બસોમાં મફત મુસાફરી કરવા માટે ‘દિવ્યાંગ બસ પાસ’ આપવામાં આવે છે. આ પાસને હવે ડિજિલોકર સાથે જોડી દેવામાં આવ્યા છે. એટલે કે, હવે દિવ્યાંગ વ્યક્તિએ ફિજિકલ પાસ સાથે રાખવાની જરૂરી નથી. બસમાં મુસાફરી કરતી વખતે, બસ કંડક્ટરને પોતાના મોબાઇલ દ્વારા ડિજિલોકરમાં રહેલો પાસ બતાવીને મુસાફરી કરી શકે છે.
ગુજરાત સરકારની આ પહેલ, ટેકનોલોજી દ્વારા શાસનને વધુ સરળ, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરે છે. ડિજિટલ ઇન્ડિયા પહેલ હેઠળ, સરકારે સતત પેપરલેસ ગવર્નન્સ અને જાહેર સેવાઓના ડિજિટલ વિતરણને પ્રોત્સાહન આપ્યું છે, જેથી નાગરિકો ગમે ત્યારે અને ગમે ત્યાં તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવી શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળ ગુજરાતની આ નવીનતમ પહેલ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા દિવ્યાંગજનો માટે સુવિધા અને સુલભતા વધારીને આ વ્યાપક વિઝનને સુસંગત બનાવે છે.
"સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઇશ્યૂ કરવામાં આવતા ‘દિવ્યાંગ બસ પાસ’ યોગ્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે અધિકૃત દિવ્યાંગતા ઓળખપત્ર તરીકે કામ કરે છે. વિભાગે તમામ પાસને ડિજિલોકર સાથે જોડી દીધા છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 4.42 લાખથી વધુ પાસ ઇશ્યૂ કર્યા છે. લાભાર્થીઓ આ ડિજિલોકરમાં રહેલા પાસને બતાવી GSRTC સંચાલિત બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકે છે,’’ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.
"ડિજિલોકર સાથે આ પાસનાં જોડાણથી દિવ્યાંગ વ્યક્તિએ હવે ફિઝિકલ પાસ સાથે રાખવાની જરૂરિયાત રહેતી નથી. વળી, આ પાસ ખોવાઇ જવાની કે ક્ષતિગ્રસ્ત થવાની ચિંતા રહેતી નથી. કેમ કે, આ પાસ ડિજિલોકરમાં હંમેશા સુરક્ષિત છે અને ગમે ત્યારે ઍક્સેસ કરી શકાય છે. આ કાર્ય પેપરલેસ ગવર્નન્સને પ્રોત્સાહન આપે છે,’’ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં સચિવ હર્ષદ પટેલે (IAS) જણાવ્યું હતું.
જાહેર સેવાઓમાં ડિજિલોકરના મોટા પાયે ઉપયોગ માટે ગુજરાતને સન્માન
ડિજિટલ પબ્લિક સર્વિસ ડિલિવરીને મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે, ભારત સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળના નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) દ્વારા રાજ્યનાં ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ સાથે ડિજિલોકરના સંકલનને સરળ બનાવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથેનાં સફળ જોડાણ બદલ, મે 2026માં યોજાયેલી 'નેશનલ કન્સલ્ટેટિવ વર્કશોપ ઓન સ્ટ્રેન્થનિંગ સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક ફોર સ્ટેટ ડેટા' દરમિયાન ગુજરાત રાજ્યને એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ બસ પાસ ધરાવતા લાભાર્થીને ₹4 લાખનું અકસ્માત મૃત્યુ વીમા કવચ પણ મળે છે
એસ.ટી બસમાં મફત બસ મુસાફરી ઉપરાંત, દિવ્યાંગ બસ પાસ ધારકને રૂ 4 લાખના અકસ્માત મૃત્યુ વીમા કવચ પણ મળે છે. આ પાસ ધારકનાં અકસ્માત મૃત્યુના કિસ્સામાં, તેના નોમિની અથવા કાયદેસરના વારસદાર સંબંધિત વિભાગને નિયત દસ્તાવેજો રજૂ કરીને વીમાનો લાભ મેળવવા માટે હકદાર બને છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
