<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અમદાવાદમાં BRTS મુસાફરો માટે રેડ એલર્ટ: બસ અને સ્ટેન્ડ પર કિંમતી સામાન ચોરતી રીઢી ગેંગ ઝડપાઈ, પોલીસે જારી કરી ખાસ સેફ્ટી એડવાઈઝરી!

મહિલાઓ સહિત ૪ શાતિર ચોરો પાસેથી ₹૫.૫૬ લાખનો સોના-ચાંદીનો મુદ્દામાલ અને રોકડ જપ્ત; ભીડનો લાભ ઉઠાવી કીમતી વસ્તુઓ સેરવી લેતી ગેંગનો પર્દાફાશ!

અમદાવાદ : અમદાવાદની BRTS બસો અને બસ સ્ટેન્ડ પર રોજિંદી મુસાફરી કરતા હજારો પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા અત્યંત સાવચેતીના સમાચાર સામે આવ્યા છે. બસમાં અને સ્ટેન્ડ પર થતી ભારે ભીડભાડનો ગેરલાભ ઉઠાવીને પ્રવાસીઓના પાકીટ, રોકડ રકમ અને કિંમતી દાગીના પર હાથસાફ કરતી એક રીઢી ચોર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

 

આ સફળ કામગીરી અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે ચોરીના મસમોટા ગુનાનો ઉકેલ લાવીને આરોપીઓ પાસેથી રૂપિયા ૫,૫૬,૦૦૦ની મત્તાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ રિકવર કરી છે. પકડાયેલી આ ગેંગમાં ૨ મહિલાઓ અને ૨ પુરુષો સામેલ છે, જેઓ મુસાફરોનું ધ્યાન ભટકાવીને ક્ષણવારમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

 

ચોરીની વધતી ઘટનાઓને ધ્યાને રાખીને પોલીસે BRTS મુસાફરો માટે ખાસ સુરક્ષા માર્ગદર્શિકા (સલાહ) જાહેર કરી છે:


 

  • બસમાં મુસાફરી કરતી વખતે હંમેશા તમારા કિંમતી સામાન અને રોકડ રકમની સુરક્ષા પ્રત્યે વિશેષ સાવચેતી રાખો.

 

  • બસ સ્ટેન્ડ પર કે જાહેરમાં કોઈ જુએ તે રીતે ક્યારેય પણ મોટી રકમ કે સોના-ચાંદીના દાગીના બહાર ન કાઢો.

 

  • ઘરેથી નીકળતી વખતે જ તમારા કિંમતી સામાનને બેગ કે પાકીટમાં સુરક્ષિત જગ્યાએ મૂકીને નીકળો.

 

પોલીસે મુસાફરોને અપીલ કરતા સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઈની પણ સાથે આવી ચોરી કે ખિસ્સા કાપવાની ઘટના બને તો ક્યારેય પણ પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળવું જોઈએ નહીં. સમયસર ફરિયાદ નોંધાવવાથી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી શકાય છે, અન્ય પ્રવાસીઓને ભોગ બનતા અટકાવી શકાય છે અને તમારી ચોરી થયેલી રકમ કે સામાન પાછો મળવાની શક્યતાઓ પણ વધી જાય છે.

 

(7:16 PM IST)