<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સુરતમાં મહિલા હોમગાર્ડની દાદાગીરી: વાહનચાલક યુવક-યુવતીનો પરમિશન વિના વીડિયો ઉતારતાં રસ્તા પર જાહેરમાં થઈ ઉગ્ર ઝપાઝપી!

સોશિયલ મીડિયા પર રીલ બનાવવા વીડિયો શૂટ કર્યો હોવાનો મહિલા હોમગાર્ડે કર્યો સ્વીકાર; ઘટનાનો વાયરલ વીડિયો જોયા બાદ કમાન્ડન્ટે તપાસના આદેશ આપી કડક શિસ્તભંગની આપી ખાતરી!

સુરત : દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતના ખરવરનગર વિસ્તારમાંથી જાહેર રસ્તા પર ફરજ બજાવી રહેલા મહિલા હોમગાર્ડની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાઈક પર પસાર થઈ રહેલા એક યુવક-યુવતીની મંજૂરી વગર પોતાના મોબાઈલથી વીડિયો બનાવવાના મામલે મહિલા હોમગાર્ડ અને વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જાહેરમાં ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ખરવરનગર ટ્રાફિક પોઇન્ટ પર ફરજ પર તૈનાત મહિલા હોમગાર્ડે ત્યાંથી પસાર થઈ રહેલા બાઈકસવાર યુવક અને યુવતીનો અચાનક મોબાઈલમાં વીડિયો શૂટ કરવાનું શરૂ કર્યું હતું. વાહનચાલકે "પરમિશન વિના વીડિયો કેમ બનાવો છો?" તેવો પ્રશ્ન પૂછતાં જ મહિલા હોમગાર્ડ ઉશ્કેરાઈ ગઈ હતી. દલીલોથી શરૂ થયેલી આ વાત ક્ષણભરમાં હાથપાઈ અને ઉગ્ર ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવો પડ્યો હતો.

 

તપાસ દરમિયાન મહિલા હોમગાર્ડે સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવ્યો હોવાનો સ્વીકાર પણ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોમગાર્ડ સુપ્રિટેન્ડન્ટ પ્રફૂલ શિરોયા તેમજ કમાન્ડન્ટે આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા સાચવવાના બદલે પબ્લિક સ્પેસમાં આવી હરકતો કરનાર મહિલા હોમગાર્ડ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેવી સત્તાવાર ખાતરી આપવામાં આવી છે.

(11:52 PM IST)