<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

માસૂમોના જીવ સાથે ખેલ! કપડવંજમાં ઝેરી 'ઘેનની દવા'નો ગોરખધંધો ઝડપાયો

બાળક રડતું બંધ થાય એટલે આપતા હતા નશાની સીરપ, બાવીસીવાળાના દવાખાને તંત્ર ત્રાટક્યું, લાખોનો મુદ્દામાલ જપ્ત

ખેડા :બાળક રાતભર રડે તો માતા-પિતા ગમે તે કરે. આ લાચારીનો ફાયદો ઉઠાવીને ખેડા જિલ્લાના કપડવંજમાં એક બાવીસીવાળાએ વર્ષોથી ગોરખધંધો ચલાવ્યો હતો. "રતવાની દવા"ના નામે માસૂમ બાળકોને નશાની સીરપ પીવડાવવાનું કૌભાંડ આખરે ડ્રગ્સ વિભાગના દરોડામાં ખુલ્લું પડ્યું છે.

કપડવંજમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા એક બાવીસીવાળા પાસે દૂર-દૂરથી વાલીઓ પોતાના બાળકોને લઈને આવતા. ફરિયાદ એક જ હતી - "અમારું બાળક રાતે સૂતું નથી, ખૂબ રડે છે". બસ પછી આરોપી પોતાની બનાવેલી એક ખાસ સીરપની બોટલ આપી દેતો. દાવો એવો કે એક ચમચી પીવડાવતા જ બાળક આખી રાત ચૂપચાપ સૂઈ જશે.

પરંતુ આ ચમત્કારી દવાની પાછળનું સત્ય કંઈક અલગ જ હતું. ગુપ્ત બાતમીના આધારે ડ્રગ્સ વિભાગ અને કપડવંજ પોલીસે સંયુક્ત રીતે તેના દવાખાના અને પાછળના રૂમ પર દરોડો પાડ્યો તો ત્યાં લાઈસન્સ વગર દવા બનાવવાનું કારખાનું ચાલતું હતું. ટીમે ત્યાંથી હજારો બોટલ તૈયાર "રતવાની દવા", શંકાસ્પદ કેમિકલના ડ્રમ, પાવડર અને પેકિંગનું સાધન જપ્ત કર્યું. અંદાજે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

પૂછપરછમાં ખુલ્યું કે આ દવામાં એલોપથીની ઊંઘની અને નશાકારક ગોળીઓનો ભૂકો કરીને ભેળવવામાં આવતો હતો. જેથી બાળક દવા લેતા જ બેભાન જેવી સ્થિતિમાં જતું રહેતું અને રડવાનું બંધ કરી દેતું. બાળરોગ નિષ્ણાતોનું કહેવું છે કે આવી દવા સત આપવાથી બાળકના મગજ, લીવર અને કિડની પર ગંભીર અસર થાય છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પણ અટકી જાય છે.

ડ્રગ્સ વિભાગે આરોપી સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. જપ્ત કરેલી દવાના સેમ્પલ વધુ તપાસ માટે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.

દરોડાના સમાચાર ફેલાતા જ જે વાલીઓએ પોતાના બાળકોને આ દવા અપાવી હતી તેમનામાં ભારે ગભરાટ ફેલાયો છે. અનેક માતાઓ દવાખાના બહાર રડતી જોવા મળી હતી. આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે બાળકોની કોઈપણ બીમારી માટે MBBS બાળરોગ ડોક્ટરની જ સલાહ લેવી. આવી કોઈપણ જાહેરાતવાળી કે મોઢે-મોઢે ચાલતી દવાઓ પર ભરોસો ન કરવો.

તંત્રએ હવે સમગ્ર કપડવંજમાં આવી ગેરકાયદે પ્રેક્ટિસ કરતા લોકો સામે સઘન ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

(3:10 PM IST)