તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
આખરે બે વખત મોકૂફ રહેલી GPSC પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ: 50 હજારથી વધુ ઉમેદવારો હાજર રહ્યા
પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા સાથે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ 34 જેટલી જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ છે. નોંધનીય છે કે, અગાઉ 1લી ઓગસ્ટના રોજ યોજાનારી આ કસોટી ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે બે વખત મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જો કે, સુધારેલા કાર્યક્રમ મુજબ આજે 9 ઓગસ્ટે રાજ્યભરમાંથી 50 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા સાથે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
આજે સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન યોજાયેલી સામાન્ય અભ્યાસની આ પ્રાથમિક કસોટીમાં અનેક મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, સિવિલ સર્વિસ વર્ગ-1 અને 2 તથા મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ વર્ગ-2 મુખ્ય છે. આ ઉપરાંત પશુ ચિકિત્સા અધિકારી, મદદનીશ ઇજનેર, મહિલા અને બાળ અધિકારી, લીગલ ઓફિસર, નર્સિંગ સેવા તેમજ ભૂસ્તરશાસ્ત્રી અને ઔદ્યોગિક સલામતી અધિકારી જેવી વિવિધ 34 જેટલી કેટેગરીની ભરતી માટે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એક્ઝામ પૂર્ણ થયા બાદ બહાર નીકળેલા મોટાભાગના ઉમેદવારોને 100 MCQનું આ પેપર વિધાનવાળા પ્રશ્નોને કારણે લાંબુ અને અઘરું લાગ્યું હતું.
આજના આ આયોજનમાં માત્ર અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી જ 37 હજાર કરતાં વધારે પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ માટે તંત્ર દ્વારા અમદાવાદના 155 જેટલા પરીક્ષા કેન્દ્રો પર કુલ 1,580 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉમેદવારોને છેલ્લી ઘડીએ કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સવારે 9 વાગ્યાથી જ તમામ કેન્દ્રો પર પ્રવેશ આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
