News of Sunday, 9th August 2026
ગાંધીનગર ખાતે પંચમુખી મહાદેવ મંદિર, સેક્ટર -૫-એ સ્થિત રાધાકૃષ્ણ મંડળ દ્વારા કલાત્મક હિંડોળા ઉત્સવ અને ભજન સંધ્યા નું સુંદર આયોજન
ફુલના હિંડોળા, પેન્સિલના હિંડોળા તથા દિવેટના અને કાચનાં કલાત્મક હિંડોળાએ મુખ્ય આકૅષણ કેન્દ્ર બન્યા છે

ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ પંચમુખી મહાદેવ મંદિર સેક્ટર -૫-એ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈને રાધાકૃષ્ણ મંડળની બહેનો દ્વારા વિવિધ પ્રકારના મનોહર અને કલાત્મક હિંડોળા બનાવી ભગવાન શ્રીકૃષ્ણ ને ભાવપૂર્વક ઝુલાવવાનો દિવ્ય મનોરથ યોજાઈ રહ્યો છે. આ હિંડોળા ઉત્સવ દરમિયાન દરરોજ અવનવી સામગ્રીઓનો ઉપયોગ કરીને અત્યંત કલાત્મક અને આકર્ષક હિંડોળા તૈયાર કરવામાં આવે છે. જેમાં કાચના હિંડોળા, પેન્સિલના હિંડોળા, દિવેટના હિંડોળા તથા સુગંધીદાર તાજાં પુષ્પોમાંથી બનાવેલા કલાત્મક હિંડોળા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મંદિર પરિસરમાં દરરોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન રાધાકૃષ્ણ મંડળની બહેનો દ્વારા ભાવસભર ભજનોની રમઝટ બોલાવવામાં આવે છે.
આ ભક્તિમય વાતાવરણનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે અને દર્શનાર્થે આવતા ભક્તો દિવ્ય શાંતિની અનુભૂતિ કરી રહ્યા છે. આ હિંડોળાની તૈયારીઓ અંગે રાધાકૃષ્ણ મંડળના પ્રમુખ નિરૂબેન નાયકે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ફુટના, રાખડી ના,મકાઈના હિડોળા, સુકામેવા તેમજ બિસ્કીટના, ચોકલેટ વિગેરે અલગ-અલગ વસ્તુઓમાંથી કલાત્મક હિંડોળા બનાવવામાં આવશે. આ કલાત્મક હિંડોળાના નિર્માણમાં પ્રમુખ નિરૂબેન નાયકના માર્ગદર્શન હેઠળ રાધાકૃષ્ણ મંડળના તારાબેન પટેલ, કુંદનબેન જાની સહિત મંડળની તમામ બહેનો મોડી રાત સુધી મંદિર પરિસરમાં ઉપસ્થિત રહીને અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક હિંડોળા બનાવવા માં સેવાયજ્ઞ આપે છે.રાધાકૃષ્ણ મંડળ પ્રમુખ નિરૂબેન નાયક દ્વારા ગાંધીનગરની તમામ ધર્મપ્રેમી જનતાને આ હિંડોળા ના પવિત્ર દર્શન તથા સાંજના ભજન સંધ્યાનો મહત્તમ સંખ્યામાં લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
