News of Monday, 10th August 2026
અમદાવાદીઓ લાંબી મુસાફરીને બદલે નજીકના હિલ સ્ટેશન અને રિસોર્ટ તરફ વળ્યાઃ માઉન્ટ આબુ-ઉદયપુર હોટ ફેવરિટ
શનિવારે સ્વાતંત્ર્ય દિવસઃ બે દિવસની રજામાં પરિવાર સાથે આરામદાયક સમય પસાર કરવા શોર્ટ ટ્રિપનો ક્રેઝ : અમદાવાદથી થોડા કલાકના અંતરે પહોંચી શકાય તેવા સ્થળો માટે બુકિંગમાં વધારો

અમદાવાદ,તા.૧૦: આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસ શનિવારે આવતાં અમદાવાદીઓએ બે દિવસની રજાનો ભરપૂર ઉપયોગ કરવા માટે લાંબી મુસાફરીને બદલે નજીકના હિલ સ્ટેશન અને ડ્રાઇવિગથી પહોંચી શકાય તેવા સ્થળોની પસંદગી કરી છે. માઉન્ટ આબુ, આબુ રોડ આસપાસના રિસોર્ટ અને ઉદયપુર જેવા સ્થળો માટેના બુકિગમાં સારી માંગ જોવા મળી રહી છે. પ્રવાસીઓનો ઝોક લાંબી મુસાફરી કરતાં થોડા કલાકમાં પહોંચી શકાય તેવા સ્થળે રિસોર્ટમાં આરામ કરવાનો છે.
અમદાવાદના ટ્રાવેલ નિષ્ણાત અંકિત બજાજે જણાવ્યું હતું કે, લોકો હવે એવા સ્થળો પસંદ કરી રહ્યા છે જ્યાં તેઓ થોડા કલાકમાં રોડ માર્ગે પહોંચી શકે. રિસોર્ટ, હરિયાળી અને આરામદાયક રોકાણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સતત સ્થળદર્શનથી ભરેલા પ્રવાસ કાર્યક્રમ કરતાં લોકો આરામ કરવા માગે છે.
ટૂંકી મુસાફરીની માંગનું એક મોટું કારણ એ પણ છે કે આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસ શનિવારે આવી રહ્યો છે. તેથી રજા લીધા વિના પ્રવાસીઓને બે દિવસનો વીકએન્ડ મળી રહ્યો છે. જોકે, જે લોકો વધારાની રજા લઈ શકે છે તેઓ લાંબી રજાનું આયોજન કરી રહ્યા છે.
ચારથી પાંચ દિવસની રજા ગાળનારા પરિવારોમાં ગોવા અને કેરળ માટે પણ સારી બુકિગ જોવા મળી રહી છે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરના પૂર્વ ચેરપર્સન વિરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, વીકએન્ડ દરમિયાન ગોવા અને કેરળ માટે સારુ બુકિગ છે, પરંતુ તેમાં મોટાભાગે એવા પરિવારો છે જેમણે વધારાની રજા લીધી છે અને ચારથી પાંચ દિવસની લાંબી રજાનું આયોજન કર્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, શોર્ટ-હોલ ટ્રાવેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે લોકો વીકએન્ડનો મહત્તમ ઉપયોગ કરવા માગે છે. પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, કસિનો અને નાઇટલાઇફ માટે અગાઉની સરખામણીએ ઓછો રસ જોવા મળી રહ્યો છે. આવા પ્રવાસ અંગે વિચારતા કેટલાક પ્રવાસીઓ હવે રિસોર્ટ, હરિયાળું વાતાવરણ અને સરળ મુસાફરીને વધુ મહત્વ આપી રહ્યા છે.
અમદાવાદના ઘણા લોકો માટે આ વીકએન્ડની રજાનું આયોજન પણ સરળ બની ગયું છે. કારમાં બેસો, થોડા કલાકમાં રિસોર્ટ સુધી પહોંચો અને મુસાફરી કરતાં આરામમાં વધુ સમય પસાર કરો, આ પ્રકારની ટૂંકી અને આરામદાયક રજાઓ હાલ પ્રવાસીઓની પસંદગી બની રહી છે
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
