<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

ગાંધીનગરમાં ભવ્ય રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો પ્રારંભ : ‘હર ઘર તિરંગા’ને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહવાન

ગ-૬ સર્કલથી અક્ષરધામ સુધીના ૨.૪ કિમીના રૂટ પર દેશભક્તિનો માહોલ : પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો, નાસિક ઢોલ અને પોલીસ વિભાગનો ડેરડેવિલ્સ શો આકર્ષણનું કેન્દ્ર બન્યો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ૯થી ૧૭ ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી તિરંગા યાત્રા અંતર્ગત પાટનગર ગાંધીનગરમાં ભવ્ય રાજ્યકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજિત આ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા આહવાન કરતાં જણાવ્યું હતું કે આ યાત્રા દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે, જે નાગરિકોમાં રાષ્ટ્ર માટે સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાની અદમ્ય ચેતના જગાવે છે.

 

ગ-૬ સર્કલથી શરૂ થઈને અક્ષરધામ મંદિર સુધીના ૨.૪ કિલોમીટરના રૂટ પર યોજાયેલી આ યાત્રામાં વિશાળ સંખ્યામાં નાગરિકો તિરંગા સાથે જોડાયા હતા. રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ અને નાસિક ઢોલના તાલે દેશભક્તિનો ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલો 'ડેરડેવિલ્સ શો' પ્રજાજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને સ્વતંત્રતા સેનાનીઓનું બલિદાન અમર રાખવા માટે આ અભિયાન શરૂ કરાયું છે. વર્તમાન પેઢી આઝાદીના લડવૈયાઓના ત્યાગ અને તપસ્યામાંથી પ્રેરણા મેળવી 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના કેળવે તેવો આશય આ યાત્રામાં છુપાયેલો છે. વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થઈને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા તેમણે આહવાન કર્યું હતું.

 

ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ એ આપણા રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને અપ્રતિમ શૌર્યનું પ્રતીક છે. આ ઐતિહાસિક તિરંગા યાત્રા દ્વારા દેશવાસીઓમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે.

 

આ ભવ્ય તિરંગા યાત્રામાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ધારાસભ્યો અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, જે.એસ. પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગુજરાત બાળ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, મુખ્ય સચિવ એમ.કે. દાસ, પ્રદેશ સંગઠન મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ આશિષભાઈ દવે, જિલ્લા સંગઠન પ્રમુખ અનિલભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અગ્ર મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, અગ્ર સચિવ સંજીવ કુમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, ડેપ્યુટી મેયર જે.બી. ઠાકોર, પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનર જે. એસ. પ્રજાપતિ, કલેક્ટર રવીન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટ, CRPFના DIG ધર્મેન્દ્ર સિંહ, રેન્જ IG વીરેન્દ્રસિંહ યાદવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને ગાંધીનગરવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

(1:13 PM IST)