<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે : અંબાલાલ પટેલની આગાહી

મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા :સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ પાટણના સમી અને હારીજ પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં આજથી વરસાદી માહોલ જામવાની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસો સુધી સારો વરસાદી માહોલ રહેશે પરંતુ ત્યારબાદ ચોમાસામાં ટૂંકો વિરામ પણ આવી શકે છે.

 

આજથી શરૂ થનાર આ વરસાદી રાઉન્ડમાં મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ પાટણના સમી અને હારીજ પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં સારો વરસાદ થવાથી જળાશયોમાં નવા નીર આવવાની પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.

 

હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ આગામી 14 અને 15 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં ઉઘાડ નીકળવાની શક્યતા રહેશે અને મોન્સૂન બ્રેક જોવા મળશે. આ દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેની અસરો આગામી સમયમાં જોવા મળશે. ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.

 

આગામી 17, 18 અને 22 ઓગસ્ટ આસપાસ હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પડશે. ત્યારબાદ ઓગસ્ટના અંતમાં નક્ષત્રના બદલાવ અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોએ આગામી સ્થિતિને ધ્યાનમાં રાખીને તૈયારીઓ રાખવી પડશે અને તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.

(2:10 PM IST)