તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Monday, 10th August 2026
૧૦થી ૧૨ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં મેઘરાજા ફરી સક્રિય થશેઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય સુધારાની શક્યતા
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૧૦ થી ૧૬ ઓગષ્ટ સુધીની આગાહીઃ ગુજરાત રિજિયનમાં ૭૫ ટકા વિસ્તારમાં ૨૫થી ૫૦ મી.મી, બાકીના ૨૫ ટકા વિસ્તારમાં ૫૦ મી.મીથી વધુ વરસી જાયઃ સૌરાષ્ટ્ર-કચ્છના ૬૦ ટકા વિસ્તારમાં ૧૫ મી.મી.સુધી તો બાકીના ૪૦ ટકા વિસ્તારમાં ૧૫ થી ૨૫ મી.મી. વરસાદ પડી શકેઃ ૧૩મીએ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાશે

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા ચોમાસાના રાઉન્ડ બાદ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે ૧૦થી ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ સુધીના ચોમાસાના વર્તારા અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે, ૧૦થી ૧૨ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી એકવાર રેઈનફોલ એક્ટિવિટી વધવાની શક્યતાઓ સેવાય રહી છે, જ્યારે છેલ્લા સપ્તાહથી શાંત પડેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં મર્યાદિત કે સામાન્ય સુધારો જોવા મળી શકે છે.
હવામાનના વિવિધ પરિબળો અને સિનોપ્ટિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ઉત્તર મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા વિસ્તારો પર એક લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થયેલી છે, જેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી ૭.૬ કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ ઉપરાંત, સમુદ્ર સપાટી પરની મોન્સૂન ટ્રફ હાલ જૈસલમેર, ગુના અને ઉત્તર મધ્ય પ્રદેશના આ લો-પ્રેશર કેન્દ્ર પરથી પસાર થઈને ડાલ્ટનગંજ, દીઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. સાથોસાથ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર પણ ૫.૮ કિમીની ઊંચાઈએ અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીની સ્થિતિ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ઉત્તર-પヘમિ બંગાળની ખાડી પર પણ એક અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે, જેના પ્રભાવ હેઠળ ૧૩ ઓગસ્ટની આસપાસ આ જ વિસ્તારમાં એક નવું લો-પ્રેશર એરિયા બનવાની પૂર્ણ શક્યતા છે, જ્યારે ૧૪થી ૧૬ ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ટ્રફની ધરી ઉત્તર તરફ ખસવાની સંભાવના છે.
આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની વિગતવાર આગાહી આપતા અશોકભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત રિજિયનમાં ૧૦થી ૧૬ ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાત રિજિયનના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે છે. અહીં કુલ વરસાદની વાત કરીએ તો આશરે ૭૫% વિસ્તારમાં ૨૫થી ૫૦ મિમી અને બાકીના ૨૫% વિસ્તારમાં ૫૦ મિમીથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.
બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વરસાદી પ્રવૃત્તિ નહિવત્ રહી છે. જોકે, આ સપ્તાહ દરમિયાન તેમાં મર્યાદિત સુધારો થવાની શક્યતા છે અને ૧૦થી ૧૬ ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ હળવા-મધ્યમ ઝાપટાં કે વરસાદ પડી શકે છે. અહીંના ૬૦% વિસ્તારમાં ૧૫ મિમી સુધી અને બાકીના ૪૦% વિસ્તારમાં ૧૫થી ૨૫ મિમી જેટલો વરસાદ થઈ શકે છે, પરંતુ એકંદરે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ નોર્મલથી નીચું રહેવાની શક્યતા છે.
અંતમાં સારાંશ આપતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગાહીના પ્રારંભિક સમયગાળા એટલે કે ૧૦થી ૧૨ ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય પ્રદેશ પરની લો-પ્રેશર સિસ્ટમ રાજ્યના હવામાનને પ્રભાવિત કરતું મુખ્ય પરિબળ રહેશે, જેને કારણે ગુજરાત રિજિયનમાં વધુ સારી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર મર્યાદિત સુધારો જોવા મળશે. આ ઉપરાંત ૧૩ ઓગસ્ટે બંગાળની ખાડીમાં બનનારું નવું લો-પ્રેશર અને ૧૪થી ૧૬ ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ટ્રફ ઉત્તર તરફ ખસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં વરસાદની પેટર્ન નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
