તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 10th August 2026
આંગણવાડીઓ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથિયું : મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ.મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને '૩૩૦૦+ ચાઇલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી અને પોષણ સંગમ હેલ્થ કેમ્પ' અંગે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો
પોષણ સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે ચાઈલ્ડ-ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવા પર ભાર : કુપોષણ મુક્તિ માટે હેલ્થ કેમ્પ અને સતત ફોલો-અપ સુનિશ્ચિત કરવા અધિકારીઓને કડક સૂચના : આરોગ્ય અને મહિલા-બાળ વિકાસ વિભાગના સંકલનથી 'પોષણ સંગમ હેલ્થ કેમ્પ'નું રાજ્યવ્યાપી આયોજન થશે : મહિલા અને બાળ વિકાસ મંત્રી

અમદાવાદ તા.૧૦ : ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને '૩૩૦૦+ ચાઇલ્ડ ફ્રેન્ડલી આંગણવાડી અને પોષણ સંગમ હેલ્થ કેમ્પ' વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યની ગણવાડીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાલ્યાવસ્થા સંભાળના સઘન આયોજન અંગે યોજાયેલા વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, આંગણવાડી એ માત્ર પોષણ આપવાનું કેન્દ્ર નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથીયું અને શિક્ષણનું સાચું મંદિર છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં નવી બની રહેલી ૬૦૦ થી ૯૦૦ સ્ક્વેર ફીટની આંગણવાડીઓમાં બાળકો માટે સલામત અને ચાઈલ્ડ-ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. બાળકના મગજનો ૮૫ ટકાથી ૯૦ ટકા વિકાસ પ્રથમ ૬ વર્ષમાં થતો હોવાથી આંગણવાડીનું વાતાવરણ રમત-ગમત અને પ્રવૃત્તિમય હોવું ખૂબ જરૂરી છે. આંગણવાડી કાર્યકરો તથા હેલ્પર્સને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને ફ્લોર ગેમ્સ, ચિત્રકામ, બાલગીતો જેવી ઇનોવેટિવ પ્રવૃત્તિઓ માટે ટ્રેનિંગ આપી વધુ સક્રિય બનાવવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આંગણવાડી સ્તરે કુપોષિત બાળકો માટે ખાસ હેલ્થ કેમ્પ યોજવામાં આવશે. માત્ર તપાસ કે દવા આપવાથી કામ પૂરું થતું નથી, પરંતુ બાળક કુપોષણમાંથી બહાર ન આવે ત્યાં સુધી નિયમિત યોગ્ય ફોલો-અપ લેવા અને તેમના માતા પિતા સાથે સંપર્ક કરી તેમને પણ યોગ્ય પોષણલક્ષી માર્ગદર્શન આપવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મમતા દિવસ દરમિયાન આશા વર્કર અને આંગણવાડી બહેનોના સંકલનથી સગર્ભા માતાઓ, કિશોરીઓ અને બાળકોના વજન-ઊંચાઈ માપન અને રસીકરણની કામગીરી એક જ જગ્યાએ સરળતાથી થાય તેવું આયોજન કરવા પણ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ ડૉ. રાકેશ શંકરે કાર્યક્રમ અને વિભાગની વિવિધ કામગીરી અને તેના ભવિષ્યના આયોજન અંગે વિગતે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આંગણવાડીઓના માળખા મુજબના વિકાસ માટે ICDS તથા માર્ગ અને મકાન વિભાગ વચ્ચે સકારાત્મક સહયોગ પ્રાપ્ત થયો છે. આ બંને વિભાગોના સંયુક્ત પ્રયાસોથી ૩,૩૦૦ થી વધુ નવી આંગણવાડીઓ તેમજ R&B દ્વારા ટેન્ડર કરવામાં આવેલ ૧,૫૦૭ જેટલી આંગણવાડીઓના નિર્માણનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ ઉપરાંત, આંગણવાડીઓના ગુણવત્તાયુક્ત અને ટેકનિકલ નિર્માણ માટે IIT ગાંધીનગરના તજજ્ઞોની મદદ લેવામાં આવી રહી છે. થર્ડ-પાર્ટી ઇન્સ્પેક્શન અને ગુણવત્તાના ધોરણો સાથે 'સ્માર્ટ આંગણવાડી'ના વિઝનને પૂર્ણ કરવા માટે વિભાગ પ્રતિબદ્ધ છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ વર્કશોપમાં યુનિસેફ દ્વારા બાળકો માટે અનુકૂળ, સુરક્ષિત અને પર્યાવરણને રક્ષણ આપતી સ્માર્ટ આંગણવાડીઓના ટાઇપ ડિઝાઇન તેમજ ૩D લે-આઉટનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. IIT ગાંધીનગરના નિષ્ણાતો દ્વારા આંગણવાડીઓના બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી દ્વારા જિલ્લા માર્ગ અને મકાન વિભાગની ટીમોને બાંધકામની ગુણવત્તા અને સમયબદ્ધ અમલીકરણ માટે તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આરોગ્ય અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનાર 'પોષણ સંગમ હેલ્થ કેમ્પ'ની નીતિ-રીતિ, માર્ગદર્શિકા અને અમલીકરણ અંગે કમિશનર ICDS તથા કમિશનર આરોગ્ય દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.
કાર્યક્રમમાં આંગણવાડી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓને ICDS ટીમ દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આઈસીડીએસ કમિશનરશ્રી, જિલ્લા કક્ષાના એન્જિનિયરો, પ્રોગ્રામ ઓફિસર્સ, IIT અને યુનિસેફના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
