<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

અમદાવાદમાં એસઓજીની ટીમને મોટી સફળતા : રતલામના શકીલ ખાન પઠાણની રૂ. 20 લાખના 200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ

આરોપી ટ્રેન મારફતે મધ્ય પ્રદેશના મંદસૌરથી વટવા ખાતે ડ્રગ્સ સપ્લાય કરવા આવ્યો હતો. મંદસૌરમાં બેસીને પિતરાઈ ભાઈ ઈમરાન આ આખું નેટવર્ક ચલાવતો

અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે મધ્ય પ્રદેશથી અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરતા એક મોટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એસઓજીએ વટવા વિસ્તારમાં ડિલિવરી આપવા આવેલા ડ્રગ્સ કેરિયર શકીલ ખાન પઠાણને રૂ. 20 લાખની કિંમતના 200 ગ્રામ એમડી (MD) ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી લીધો છે.

ગુજરાતને નશા મુક્ત બનાવવાના વિઝન અંતર્ગત અમદાવાદ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે નશીલા પદાર્થોની હેરાફેરી સામે આકરી ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મધ્ય પ્રદેશથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા એમડી ડ્રગ્સના મોટા જથ્થાને વટવા ખાતે જપ્ત કર્યો છે.

આરોપી મધ્ય પ્રદેશના રતલામથી ટ્રેન મારફતે અમદાવાદ રેલ્વે સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાંથી તે વટવા વિસ્તારમાં સ્થાનિક પેડલરને માલ પહોંચાડવા માટે જઈ રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને પકડી પાડ્યો હતો.

પોલીસે અટકાયત કરેલા આરોપીની ઓળખ મધ્ય પ્રદેશના રતલામ ખાતે રહેતા શકીલ ખાન પઠાણ તરીકે થઈ છે.  તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી શકીલ ખાન મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાંથી આ ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી 200 ગ્રામ શુદ્ધ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. 20 લાખ જેટલી થાય છે. ડીસીપી એસઓજી રાહુલ ત્રિપાઠીના નિરીક્ષણ હેઠળ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ લંબાવી છે.

એસઓજી દ્વારા પકડાયેલા આરોપી શકીલ ખાનની આકરી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીને એક વખત ડ્રગ્સની ડિલિવરી કરવા માટે માત્ર રૂ. 5,000 ની રકમ મળતી હતી. છેલ્લા 20 દિવસમાં તે બીજી વખત ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હોવાની કબૂલાત તેણે કરી છે. આ અગાઉ તેણે શાહઆલમ વિસ્તારમાં 200 ગ્રામ ડ્રગ્સ સફળતાપૂર્વક સપ્લાય કર્યું હતું.

આ સમગ્ર કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર તેનો પિતરાઈ ભાઈ ઈમરાન પઠાણ છે, જે મંદસૌરમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો. ઈમરાન કેરિયર શકીલને સ્થાનિક પેડલરનો કોઈ મોબાઈલ નંબર આપતો ન હતો. શકીલને અમદાવાદમાં કોઈ ચોક્કસ જગ્યાએ ઊભા રહેવાનો આદેશ અપાતો અને ત્યારબાદ સ્થાનિક પેડલરો તેની પાસેથી માલ મેળવી લેતા હતા.

(9:47 PM IST)