News of Tuesday, 11th August 2026
તાપીના સોનગઢમાં ઓરિસ્સાથી લવાતો 42 લાખનો 85 કિલો ગાંજો ઝડપાયો: 3 આરોપીઓની અટકાયત
હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું વાહન અને કોલસાનો જથ્થો મળીને પોલીસે કુલ રૂ. 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

તાપી જિલ્લાની સોનગઢ પોલીસને મોટી સફળતા સાંપડી છે. સોનગઢ પોલીસ મથકના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે આંતરરાજ્ય સરહદી ચેકપોસ્ટ નજીક ખાસ નાકાબંધી અને વોચ ગોઠવવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઓરિસ્સા તરફથી આવી રહેલી કોલસા ભરેલી એક શકમંદ ટ્રકને પોલીસે રોકીને તલાશી લીધી હતી. પ્રથમ દ્રષ્ટિએ ટ્રકમાં માત્ર કોલસો જ ભરેલો દેખાતો હતો, પરંતુ પોલીસે કાળજીપૂર્વક ઊંડાણપૂર્વક તપાસ કરતાં કોલસાના જથ્થાની વચ્ચે અત્યંત ચાલાકીથી છુપાવેલી ગાંજાની ગુણો મળી આવી હતી.પોલીસે ટ્રકમાંથી 85 કિલોથી વધુ વજન ધરાવતો ગાંજાનો જથ્થો (કિંમત રૂ. 42 લાખ) કબજે કર્યો છે. આ સિવાય હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું વાહન અને કોલસાનો જથ્થો મળીને પોલીસે કુલ રૂ. 64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કાળા કારોબારમાં સંકળાયેલા 3 આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરી લેવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો ઓરિસ્સાથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સોનગઢ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ગાંજો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
