News of Tuesday, 11th August 2026
સુરતના ભેસ્તાનમાં સતીશ મરાઠા હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરાયો :રિમાન્ડની માગણી
લાજપોર જેલમાંથી હત્યાનું કાવતરું રચી સાગરીત કેતન ઉર્ફે સન્ની પાસે હત્યા કરાવ્યાનો આરોપ: મૃતકની ગાડીમાં GPS કોણે લગાવ્યું અને લોકેશન કોને આપ્યું તે અંગે પણ તપાસ ચાલુ

સુરતના ભેસ્તાનમાં થયેલા સતીશ મરાઠા હત્યાકાંડ મામલે મુખ્ય સૂત્રધાર ગણાતા રાહુલ મંડલને આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યો હતો. ભેસ્તાન પોલીસે રાહુલ મંડલનો કબજો મેળવી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
રાહુલ મંડળને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના રિમાન્ડની માગણી કરી છે. રિમાન્ડ દરમિયાન હત્યાનું કાવતરું કેવી રીતે ઘડાયું, તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું હતું તેમજ GPS લોકેશનની માહિતી અંગે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભેસ્તાન પોલીસે સમગ્ર હત્યાકાંડની કડીઓ જોડવા માટે તપાસ તેજ કરી છે.
પોલીસ તપાસ મુજબ રાહુલ મંડલે લાજપોર જેલમાં બેઠા બેઠા સતીશ મરાઠાની હત્યાનું કાવતરું રચ્યું હોવાનો આરોપ છે. આ કાવતરાને અંજામ આપવા માટે તેના સાગરીત કેતન ઉર્ફે સન્નીની મદદ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાકાંડમાં રાહુલ મંડલની ભૂમિકા અંગે વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાકાંડની તપાસમાં મૃતક સતીશ મરાઠાની ગાડીમાં GPS લગાવવામાં આવ્યું હોવાની બાબત પણ મહત્વની બની છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે ગાડીમાં GPS કોણે લગાવ્યું હતું અને તેનું લોકેશન કોને આપવામાં આવતું હતું. હત્યા પહેલાં મૃતકની હિલચાલ અને લોકેશનની માહિતી આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
મુખ્ય સૂત્રધારની પૂછપરછથી હત્યાકાંડ પાછળના સમગ્ર કાવતરાનો ખુલાસો થવાની શક્યતા છે. પોલીસ ખાસ કરીને GPS લોકેશન, હત્યા માટે અપાયેલી સૂચનાઓ અને તેમાં સંડોવાયેલા અન્ય સાગરીતોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
