<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

નાસિરનગર ડિમોલેશન વિવાદ બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી : મનપાનો વધારાનો ચાર્જ કલેક્ટર તેજસ પરમારને સોંપાયો

સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર રંજીથ કુમાર જે. જીઇઆરસી (GERC) ના સચિવ નિમાયા : એમ. નાગરાજનને સમગ્ર શિક્ષા અભિયાનના નવા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા

સુરત: સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં એક અત્યંત મહત્વના અને મોટા રાજકીય-પ્રશાસનિક ફેરફારો સામે આવ્યા છે. તાજેતરમાં નાસિરનગર ડિમોલેશનના વિવાદાસ્પદ મુદ્દાને લઈને ભારે ચર્ચામાં આવેલા સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન (IAS: ૨૦૦૯) ની રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તબદીલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેમને સુરત મનપા કમિશનર પદેથી હટાવીને ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશો અનુસાર આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે:
૧. સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા રંજીથ કુમાર જે. (IAS: ૨૦૦૫), જેઓ ગુજરાત વીજ નિયમન પંચ (GERC), ગાંધીનગરના સચિવ તરીકેનો વધારાનો ચાર્જ પણ સંભાળતા હતા, તેમની સેવાઓ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને સોંપવામાં આવી છે. તેઓને ગાંધીનગર ખાતે ગુજરાત વીજ નિયમન પંચ (GERC) ના સચિવ તરીકે પૂર્ણકાલીન નિયુક્તિ આપવામાં આવી છે.
૨. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન (IAS: ૨૦૦૯) ની બદલી કરીને તેમને રંજીથ કુમાર જે. ના સ્થાને ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના નવા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નીમવામાં આવ્યા છે.
૩. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, ૧૯૪૯ ની કલમ ૩૯ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, સુરતના કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર (IAS: ૨૦૧૬) ને એમ. નાગરાજનની જગ્યા પર સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

(10:55 PM IST)