<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

સુરતના સતીશ મરાઠા હત્યાકાંડમાં માસ્ટરમાઇન્ડ રાહુલ મંડલના કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

પોલીસ મુજબ હત્યાનું કાવતરું લાજપોર જેલમાં બેસીને રચાયું હતું અને કેતન ઉર્ફે સન્ની મારફતે હત્યાને અંજામ અપાયો હતો:સતીશની ગાડીમાં GPS લોકેશન ફિટ કરાવવાના મુદ્દે પણ પોલીસ તપાસ

સુરતમાં ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડ મામલે પોલીસ તપાસમાં મહત્વની વિગતો સામે આવી છે. સમગ્ર હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ તરીકે સામે આવેલા આરોપી રાહુલ મંડલને ભેસ્તાન પોલીસે આજે સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડની માગ કરવામાં આવતા કોર્ટે રાહુલ મંડલના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ સતીશ મરાઠાની હત્યાનું કાવતરું આરોપી રાહુલ મંડલે લાજપોર જેલમાં બેસીને રચ્યું હોવાનો ખુલાસો થયો છે. જેલમાંથી જ તેણે હત્યાના કાવતરાને અંજામ આપવા માટે પોતાના સાગરિતો સાથે સંપર્ક કર્યો હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

રાહુલ મંડલે પોતાના સાગરિત કેતન ઉર્ફે સન્ની પાસે સમગ્ર હત્યાકાંડને અંજામ અપાવ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન હત્યાનું કાવતરું ક્યારે અને કેવી રીતે ઘડાયું, તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આરોપીઓ વચ્ચે કેવી રીતે સંપર્ક થયો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરશે.

હત્યાકાંડની તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. સતીશ મરાઠાની ગાડીમાં GPS લોકેશન ડિવાઇસ ફિટ કરાવવામાં આવ્યું હતું. આ GPS કોણે અને કયા હેતુથી લગાવ્યું હતું, તેની માહિતી કોને પહોંચાડવામાં આવતી હતી અને હત્યાના કાવતરામાં તેનો કેટલો ઉપયોગ થયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

રાહુલ મંડલના ચાર દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ હત્યાના કાવતરાથી લઈને GPS લોકેશન, સાગરિતોની ભૂમિકા અને અન્ય સંભવિત સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.

 

(11:07 PM IST)