<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી :ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ

રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને તેમજ રાહદારીઓને ભારે હાલાકી: ભારે વરસાદ દરમિયાન વિઝિબિલિટીમાં પણ નોંધપાત્ર ઘટાડો

પાટણ જિલ્લામાં એક સપ્તાહના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે શરૂ થયેલા આ ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદ દરમિયાન વિઝિબિલિટીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઓછી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલીઓ પડી હતી, જેના પરિણામે વાહનોની ગતિ પણ ધીમી પડી હતી. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોની હાલત કફોડી બની હતી. જોકે, લાંબા સમયથી અનુભવાઈ રહેલા ઉકળાટમાંથી લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાટણમાં આ વરસાદ ચોમાસાની સક્રિયતાનો સંકેત આપે છે.

(6:53 PM IST)