<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

હોસ્પિટલના બિલ અને વીમાના ચક્કરમાંથી મુક્તિ: કેન્દ્ર સરકારના નવા માસ્ટરપ્લાનથી દર્દીઓને થશે મોટો ફાયદો

ખાનગી હોસ્પિટલોના મનસ્વી ચાર્જ અને વીમા કંપનીઓની બહાનાબાજી પર લગામ લાગશે : IRDAI અને સરકાર દ્વારા સમગ્ર આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી સુધારા અમલમાં મૂકવાની તૈયારી

અમદાવાદ:  હોસ્પિટલમાં દાખલ થતી વખતે અને ડિસ્ચાર્જ સમયે વીમા કંપનીઓ તથા હોસ્પિટલો વચ્ચે પિસાતા સામાન્ય નાગરિકો માટે હવે રાહતના મોટા સમાચાર આવ્યા છે. સારવારના નામે થતી મનસ્વી લૂંટ અને ક્લેમ સેટલમેન્ટમાં કલાકો સુધી થતા વિલંબને કાયમી ધોરણે નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકાર અને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI) દ્વારા એક દેશવ્યાપી નવો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હોસ્પિટલમાં ચોક્કસ રોગ અને તેની સારવાર માટેના દર અગાઉથી જ નક્કી કરી દેવામાં આવશે, જેનાથી હોસ્પિટલો ગ્રાહકો પાસેથી વધારાનું અથવા ખોટું બિલ વસૂલ કરી શકશે નહીં.

હાલમાં દેશમાં તબીબી ફુગાવો 12% થી 14% ના દરે વધી રહ્યો છે, જેમાં સરકારી હોસ્પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ રૂ. 6,600 ની સામે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 50,000 સુધી પહોંચી જાય છે. આ પરિસ્થિતિને થાળે પાડવા સરકારે તમામ વીમા કંપનીઓ માટે એક 'કોમન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ' ફરજિયાત બનાવવાનું આયોજન કર્યું છે. આ નીતિ હેઠળ દરેક પોલિસીધારકને કયા રોગ માટે કેટલું કવરેજ મળશે તેની સ્પષ્ટ અને પારદર્શક માહિતી પહેલાથી જ મળી જશે, જેથી કોઈ પણ વીમા કંપની કે હોસ્પિટલ નિયમોનું બહાનું બનાવીને દર્દીને સારવાર અથવા ક્લેમ આપવાની ના પાડી શકશે નહીં.

આ ઉપરાંત, ડિસ્ચાર્જના સમયે વીમા કંપનીની મંજૂરી માટે દર્દીઓએ 4 થી 5 કલાક સુધી હોસ્પિટલમાં રાહ જોવી પડે છે તે મુશ્કેલી પણ ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. આરોગ્ય મંત્રાલય અને IRDAI દ્વારા 'નેશનલ હેલ્થ ક્લેમ એક્સચેન્જ' નામનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવી રહ્યું છે, જે હોસ્પિટલો અને વીમા કંપનીઓને સીધી રીતે જોડીને રીયલ-ટાઇમમાં ક્લેમ પાસ કરશે. આ નવી સિસ્ટમથી માત્ર દાવાની પ્રક્રિયા ઝડપી જ નહીં બને, પરંતુ ઉદ્યોગમાં થતા 10% થી 15% જેટલા ખોટા અને બનાવટી દાવાઓ પર પણ કડક રોક લગાવી શકાશે.

(8:01 PM IST)