<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ‘તેરા તુઝકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ સાયબર ફ્રોડના 11 પીડિતોને 2.60 કરોડ રૂપિયા પરત સોંપ્યા

પોલીસ કમિશનરના હસ્તે ડિજિટલ એરેસ્ટ, બોસ સ્કેમ, ઇન્વેસ્ટમેન્ટ અને APK ફાઇલ ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીઓને રિફંડ ચેક અપાયા જે સાયબર પોલીસની એક મોટી સફળતા

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને નાણાકીય ઠગાઈના કેસોમાં એક મોટી અને નોંધપાત્ર સફળતા સાંપડી છે. ઓનલાઇન સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને તેમના હકના નાણાં પરત અપાવવા માટે શરૂ કરવામાં આવેલા ‘તેરા તુઝકો અર્પણ’ વિશેષ અભિયાન હેઠળ પોલીસે મોટી કામગીરી કરી છે. આ ઉપક્રમ અંતર્ગત સાયબર ફ્રોડના 11 પીડિતને કુલ 2.60 કરોડ રૂપિયાની રકમ સફળતાપૂર્વક રિફંડ કરવામાં આવી છે.

 

અમદાવાદ શહેરના પોલીસ કમિશનરના હસ્તે તમામ 11 ફરિયાદીઓને તેમની ફ્રોડ થયેલી રકમના રિફંડ ચેક સન્માનપૂર્વક સોંપવામાં આવ્યા હતા. પોતાની ગુમાવેલી મુડી અને ગાઢી કમાણી પરત મળતા પીડિતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ સમયસર પોલીસનો સંપર્ક કરવાથી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ નાણાં ફ્રીઝ કરાવવામાં પોલીસને સફળતા મળી હતી.

 

 

હાલના સમયમાં દેશભરમાં ચિંતાનો વિષય બનેલા ડિજિટલ એરેસ્ટ ફ્રોડના ભોગ બનેલા નાગરિકોને પણ આ ઉપક્રમથી મોટી રાહત મળી છે. આ ઉપરાંત કંપનીના અધિકારી કે માલિક બનીને કરવામાં આવતા બોસ સ્કેમના પીડિતોના નાણાં પણ પોલીસે રિકવર કરીને પરત સોંપ્યા છે.

 

 

પોલીસ દ્વારા માત્ર કોઈ એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી નહીં પરંતુ વિવિધ પ્રકારના સાયબર ગુનાઓમાં રકમ પરત અપાવવામાં આવી છે. જેમાં વધુ વળતરની લાલચ આપતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ના પીડિતો તેમજ મોબાઇલમાં અજાણી લિંક દ્વારા ડાઉનલોડ થતી એપીકે ફાઇલના માધ્યમથી થયેલી ઠગાઈના નાણાં પણ રિકવર કરવામાં આવ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમની આ સરાહનીય કામગીરીથી નાગરિકોનો પોલીસ પ્રશાસન પરનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.

(9:02 PM IST)