<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

કપડવંજ APMC માં ક્રોસ વોટિંગ બાદ નવનિયુક્ત ચેરમેન નિલેશ પટેલે રાજીનામું આપતાં રાજકારણ ગરમાયું

ભાજપ પાસે 15 માંથી 9 બેઠકોની બહુમતી હોવા છતાં ચેરમેને અપક્ષને મત આપતાં અપક્ષના પ્રવીણભાઈ પટેલ વાઈસ ચેરમેન બન્યા હતા: હવે APMC નો વહીવટ વહીવટદાર સંભાળશે કે વાઈસ ચેરમેન તે અંગે સવાલો ઊભા થયા

ખેડા જિલ્લાના રાજકારણમાં કપડવંજ એપીએમસી ખાતે ભારે રાજકીય બખેડો સર્જાયો છે. સત્તાવાર અહેવાલો મુજબ, ગત 28 તારીખે જ બનેલા નવનિયુક્ત ચેરમેન નિલેશ પટેલે પોતાના હોદ્દા પરથી અચાનક રાજીનામું આપી દેતાં સ્થાનિક રાજકારણમાં મોટો ધડાકો થયો છે. વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ આ નિર્ણય લેવાયો છે.

ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્રની મહત્વની ગણાતી કપડવંજ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં રાજકીય નાટક પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. તાજેતરમાં જ ચૂંટાયેલા ચેરમેન નિલેશ પટેલે અચાનક પોતાના હોદ્દા પરથી સ્વેચ્છાએ રાજીનામું સુપરત કરી દેતાં સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

 

આ ઘટના પાછળ વાઈસ ચેરમેનની ચૂંટણી દરમિયાન થયેલું ક્રોસ વોટિંગ અને પક્ષિય શિસ્તનો અનાદર હોવાનું બહાર આવ્યું છે. ભાજપ પ્રેરિત પેનલની સ્પષ્ટ બહુમતી હોવા છતાં આંતરિક વિખવાદ સામે આવતાં મોવડીમંડળ પણ ચોંકી ઉઠ્યું છે.

 

 

કપડવંજ APMC ની કૂલ 15 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત પેનલ પાસે ૯ બેઠકોની સ્પષ્ટ બહુમતી હતી, જ્યારે સામે પક્ષે માત્ર 6 બેઠકો અપક્ષ પાસે હતી. આંકડાકીય ગણતરી મુજબ ભાજપના વાઈસ ચેરમેન ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. પરંતુ વાઈસ ચેરમેનની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતા.

ભાજપના 9 માંથી માત્ર 4 સભ્યોએ જ પક્ષના અધિકૃત ઉમેદવારને વોટ આપ્યો હતો. નવનિયુક્ત ચેરમેન નિલેશ પટેલ સહિતના સભ્યોએ અપક્ષ ઉમેદવાર પ્રવીણભાઈ પટેલની તરફણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. પરિણામે વધુ વોટ મેળવીને અપક્ષ ઉમેદવાર પ્રવીણભાઈ પટેલ વાઈસ ચેરમેન તરીકે વિજેતા જાહેર થયા હતા.

 

ઉલ્લેખનીય છે કે, ગત 28 તારીખના રોજ જ નિલેશ પટેલની કપડવંજ APMC ના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ વાઈસ ચેરમેનની ચૂંટણીમાં પક્ષની લાઈનથી વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવારને સમર્થન આપતાં ભાજપ સંગઠનમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી.

પક્ષમાં ઉભી થયેલી અસંતોષની સ્થિતિ અને બળવાખોરીના વાતાવરણ વચ્ચે ચેરમેન નિલેશ પટેલે રાજીનામું આપી દેતાં ભાજપની સ્થાનિક લીડરશીપ બેકફૂટ પર આવી ગઈ છે. આ ઘટનાથી કપડવંજ તાલુકાના ખેડૂત આલમ અને વેપારીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.

(9:12 PM IST)