<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

બોઘરા V/S બાવળીયાકુંવરજી ભાઇ ના કાંકરીચાળાએ ફરી તોફાન સર્જયુ

કોણ જીતશે કોણ હારશે, કોણ સાચુ છે કોણ ખોટુ છે એ વાતો જસદણ-વિંછીયા પંથકના લોકો જાણે જ છે પરંતુ બન્ને આગેવાનોએ તાલુકાનું પછાતપણુ દુર કરવા કરેલા વિકાસના કામો પ્રજા આજે પણ યાદ કરે છેઃ બન્ને આગેવાનોની નજીકના ખોટા લોકોની કાનભંભેરણીથી જ ઝગડો જાહેરમાં આવે છે અને બન્નેના વિરોધીઓ ખુશ થાય છે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૩ :.. જસદણના પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઇ બોઘરા અને વર્તમાન ધારાસભ્‍ય અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા વચ્‍ચે ચાલતા ગજગ્રાહનો ઝગડો કુંવરજીભાઇ દ્વારા થોડા દિવસ પહેલા કરવામાં આવેલા કાંકરી ચાળાના લીધે ફરી જાહેરમાં આવતા રાજકીય ક્ષેત્રે અને લોકમુખે ચર્ચાનો વિષય બન્‍યો છે જો કે બન્નેએ કરેલા સામ-સામે આક્ષેપોમાં કોણ સાચુ છે અને કોણ ખોટુ છે એ પ્રજા જાણે જ છે. આમ છતાં બન્ને આગેવાનો એક-બીજાને પાડી દેવા ફરી મેદાનમાં ઉતર્યા છે ત્‍યારે કોણ જીતશે અને કોણ હારશે એ આવનારો સમય બતાવશે.

જસદણ-વિંછીયા પંથકના આ બે રાજકીય આગેવાનોની મિત્રતા અને હાલ ચાલી રહેલી દુશ્‍મનાવટ આમ તો જસદણ પંથકની પ્રજા જ નહીં પરંતુ ગુજરાતના રાજકારણમાં જગ જાહેર છે. અગાઉ બન્ને આગેવાનોએ અનેક વખત જાહેરમાં અને ખાનગીમાં એક-બીજા ઉપર આક્ષેપોના તીર છોડેલા જ છે. પરંતુ આ વખતે ભરતભાઇ બોઘરા જે રીતે પુરાવા સાથે જાહેરમાં આક્ષેપો કરવા આગળ આવ્‍યા છે ત્‍યારે આ ઝગડો શાંત પડશે કે આવનારા દિવસોમાં તોફાન સર્જશે એની ચર્ચા હાલ ચાલી રહી છે.

એક સમયનાં અંગત મિત્રો, ભાગીદાર વચ્‍ચે મનદુઃખની અને ઝગડાની શરૂઆત હમણાની નથી ર૦૦૯ માં કુંવરજીભાઇ જસદણના ધારાસભ્‍ય હતા એ દરમિયાન તેમને રાજકોટ સાંસદ તરીકે કોંગ્રેસે ભાજપના ઉમેદવાર કિરણભાઇ પટેલ સામે લડાવ્‍યા અને નરેશભાઇ પટેલ અને ભરતભાઇ બોઘરાના અથાક પ્રયાસોથી કુંવરજીભાઇ જીતી ગયા.

બન્ને આ વાતનો ખુલાશો કયારેય જાહેરમાં કર્યો નથી પણ એ વખતે જસદણ વિધાનસભાની સીટ ખાલી થાય ત્‍યાંથી કુંવરજીભાઇએ ભરતભાઇ બોઘરાને કોંગ્રેસની ટીકીટ અપાવી જીતાડવા આવુ નકકી થયુ હતું. પરંતુ કુંવરજીભાઇએ આવુ ન કરી તેમના પુત્રીને ટીકીટ અપાવી જેથી ભરતભાઇએ નારાજ થઇ ભાજપની ટીકીટ મેળવી અને જીતી ગયા ત્‍યારથી જ આ બન્ને વચ્‍ચે ઝગડાની શરૂઆત થઇ છે સત્‍ય છે જો કે આ બન્ને આગેવાનો આ વાત કયારેય સામે લાવ્‍યા નથી બન્ને એક-બીજાની તંગડી ઉંચી રાખે છે પરંતુ લોકોમાં હવે બન્ને આગેવાનો તેમણે કરેલા સત્તકાર્યો અને વિકાસના કામોની ક્રેડીટ લેવાને બદલે લીટી નાની કરી રહ્યા છે.

સૌ પ્રથમ કુંવરજીભાઇએ કરેલા ગંભીર આક્ષેપો સામે આ વખતે ભરતભાઇ બોઘરાએ પુરાવા સાથે પલટવાર કરતા હાલ આ ઝગડો પાર્ટી હાઇકમાન્‍ડ સુધી પહોંચી ગયો છે. ત્‍યારે આવનારા દિવસોમાં નવા-જૂની શુ થશે તેવો પ્રશ્ન હાલ ચર્ચાઇ રહ્યો છે.

હવે ખમૈયા કરો

આટકોટ, તા.૧૩: બન્‍ને આગેવાનોની નજીકના ખાટ-સવાદીયા લોકો અને બન્‍નેના વિરોધીઓ તો આ ઝગડાથી ખુબજ  ખુશ છે પરંતુ જસદણ-વિંછીયા પંથકની સમજી પૂજા અને બંન્‍ને આગેવાનો દ્વારા પંથકમાં કરેલા વિકાસના કામોથી ખુશ છે તેઓ હવે બંન્‍ને આગેવાનો ‘‘ખમૈયા કરે'' એવુ ઇચ્‍છે છે.

જસદણ-વિંછીયા પંથક પછાત વિસ્‍તાર ગણાતો હતો કુંવરજીભાઇ કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે ચુંટાતા હતા સરકાર ભાજપની હતી એટલે ધાર્યા વિકાસના કામો થતા નહોતા.

૨૦૦૯ માં પેટા ચુંટણીમાં પ્રથમ વખત ભરતભાઇ બોઘરા ભાજપના ધારાસભ્‍ય તરીકે ચુંટાયા તેમના અઢી વર્ષના શાશન દરમિયાન તાલુકામાં વિકાસના કામોની શરૂઆત થઇ અને અઢી વર્ષ દરમિયાન ૮૦૦ થી ૯૦૦ કરોડ  રૂપિયા તાલુકામાં ઠલવાયા ત્‍યાર બાદ કુંવરજીભાઇ કેબીનેટ મંત્રી બન્‍યા અને અઢળક રૂપિયાના ખર્ચે બંન્‍ને તાલુકાનો અવિરત વિકાસ આજે પણ ચાલુ છે ત્‍યારે તાલુકાની સમજુ પૂજા આ બંન્‍ને આગેવાનોના ઝગડાને લીધે તાલુકાનો વિકાસ ન અટકે તેની ચિંતા કરી બંન્‍ને વચ્‍ચે ઝગડો શાંત થાય અને તાલુકાનું પછાત પણુ દુર થાય તેવું ઇચ્‍છી રહયા છે.

સાચુ ખોટુ પ્રજા જાણે છેઃ કુંવરજીભાઇ

ખુલાશા કરવાના હતા તે કરી દીધાઃ ભરતભાઇ

આટકોટ, તા.૧૩: બન્‍નેઆગેવાનો વચ્‍ચે ચાલતા ઝગડાના પડઘા સંભવિત પાર્ટી હાઇ કમાન્‍ડ પાસે પહોચ્‍યા હોય કે બીજા કોઇ કારણોસર આજે બન્‍ને આગેવાનોનો ટેલીફોનીક સંપર્ક કરતા ટુંકમાં જવાબ આપી વધુ વાતો ટાળી હતી.

આ બાબતે કુંવરજીભાઇનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતુ કે સાચુ શુ છે અને ખોટુ શુ છે તે પ્રજા જાણે છે હવે આ બાબતે હું કશુ કહેવા નથી માંગતો નથી.

ડો. ભરતભાઇ બોઘરા નો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે પણ એક જ લીટીમાં જવાબ આપી જણાવ્‍યુ હતું કે મારે ખુલાશા કરવાના હતા તે કરી દીધા.

જો કે ચર્ચા એવી પણ ચાલે છે કે બંન્‍ને આગેવાનોને પાર્ટી હાઇકમાન્‍ડ દ્વારા થોભી જાવનો આદેશ મળ્‍યો હોય!

(1:41 PM IST)