હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપવા સરકારે તખ્તો તૈયાર કર્યો: ૨૫૦થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ સરકાર સાથે ભાગીદારી કરશે
ગુજરાત સરકાર દ્વારા 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' (NGKRM) શરૂ :રાજ્યમાં ચાલુ વર્ષે એક લાખથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ પૂરી પાડવાનો લક્ષ્યાંક

ગાંધીનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૌશલ્ય વિકાસના મહત્વ પર સતત ભાર મૂકતા જણાવ્યું છે કે, ભવિષ્યના વર્કફોર્સને તૈયાર કરવા માટે સ્કિલિંગ,રિ-સ્કિલિંગ અને અપ-સ્કિલિંગને મુખ્ય મંત્રો છે."
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' (NGKRM) શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે એક લાખથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
આ મિશન હેલ્થકેર, IT-ITeS, ઈલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ અને મીડિયા સહિત 20 પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV), બ્લોકચેન, સાયબર સિક્યુરિટી, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ડેટા સાયન્સ અને ડ્રોન ટેક્નોલોજી જેવા 12 ઉભરતા ટેક્નોલોજી ક્ષેત્રોમાં ભવિષ્ય માટે ઉપયોગી કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તાજેતરમાં શરૂ કરાયેલા 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' (NGKRM)ના મુખ્ય ભાગ સમાન 'ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ્સ ફોર એડવાન્સ્ડ સ્કિલ્સ' (GIAS) હેઠળ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપવાનાં મિશનમાં જોડાવવા માટે મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો અને શૈક્ષણિક સંસ્થાઓએ રસ દાખવ્યો છે.
રાજ્યના આ મહત્વાકાંક્ષી સ્કિલિંગ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે 250થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ આગળ આવી છે અને તેમણે પ્રસ્તાવો રજૂ કર્યા છે. આ સંસ્થાઓમાં એલ એન્ડ ટી, ન્યૂ એજ્યુકેશન ફાઉન્ડેશન, આર્સેલર મિત્તલ ગ્રુપ, ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ - મારુતિ સુઝુકી, ટાટા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ, બોનાન્ઝા LLP, ઈ-ખોડિયાર સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, અને ગણપત યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્કીલ્ડવર્કફોર્સ તૈયાર કરવા માટે સ્કિલિંગ, રિ-સ્કિલિંગ અને અપ-સ્કિલિંગને મૂળ મંત્ર ગણાવ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરના એક લાખથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે.
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું કે, "આ મિશનનો ઉદ્દેશ્ય સમગ્ર રાજ્યમાં એડવાન્સ્ડ કૌશલ્ય વિકાસ અને રોજગાર નિર્માણ માટે માંગ- આધારિત અને ઉદ્યોગ-સંચાલિત ઇકોસિસ્ટમ બનાવવાનો છે. GIAS એ નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક (NSQF) લેવલ 1 થી 8 સાથે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો પૂરા પાડવા માટે પ્રાથમિક તાલીમ માધ્યમ તરીકે કામ કરશે."
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, "આ મિશન બાંધકામ, હેલ્થકેર, IT-ITeS, ઈલેક્ટ્રોનિક્સ, પ્રવાસન, લોજિસ્ટિક્સ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ અને મીડિયા સહિત 20 પ્રાથમિકતા વાળા ક્ષેત્રો તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, બ્લોકચેન, સાયબર સિક્યુરિટી, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ડેટા સાયન્સ અને ડ્રોન ટેક્નોલોજી જેવા 12 નવીન ટેક્નોલોજી ક્ષેત્રોમાં ભવિષ્ય-સજ્જ કૌશલ્યો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે."
તાલીમ કાર્યક્રમો રહેણાંક,બિન-રહેણાંક, અગાઉના શિક્ષણની માન્યતા અને અન્ય મિશન-મંજૂર મોડેલો દ્વારા પૂરા પાડવામાં આવશે. લાભાર્થીઓમાં 14 થી 59 વર્ષની વયના લોકો, મહિલાઓ, ઈ-શ્રમ અને ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો, અપસ્કિલિંગ કે રિસ્કિલિંગ ઈચ્છતા હાલના ઔદ્યોગિક કામદારો, આર્થિક રીતે નબળા વર્ગો, વંચિત સમુદાયો અને કૌશલ્ય આધારિત રોજગારી શોધતા બેરોજગાર વ્યક્તિઓનો સમાવેશ થશે.
કડક નિરીક્ષણ પ્રણાલી
ગુણવત્તા અને પારદર્શક્તા સુનિશ્ચિત કરવા માટે તાલીમ આપતી સંસ્થાઓએ જિયો-ફેન્સ્ડ , ફેસ રેકગ્નાઇઝેશન આધારિત બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ, 90 દિવસના વિડિયો સ્ટોરેજ ધરાવતા CCTV સર્વેલન્સ, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, પ્રમાણિત ટ્રેનરો અને ઉદ્યોગનાં ધોરણો મુજબના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ ટેક્નોલોજી-સક્ષમ તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવાના રહેશે. તમામ તાલીમ પ્રવૃત્તિઓ, હાજરીના રેકોર્ડ, મૂલ્યાંકન, સર્ટિફિકેશન અને પ્લેસમેન્ટ ટ્રેકિંગનું સંચાલન NGKRM ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે.
સરકારે કામગીરી-આધારિત ચૂકવણીનું માળખું પણ રજૂ કર્યું છે, જેમાં તાલીમ પ્રદાતાઓને તાલીમાર્થીઓની નોંધણી, સર્ટિફિકેશન અને પ્લેસમેન્ટના પરિણામોના આધારે ચૂકવણી કરવામાં આવશે. આ ઉપરાંત, સફળતાપૂર્વક પ્રમાણપત્ર મેળવ્યા બાદ તાલીમાર્થીઓને દર 120 કલાકની તાલીમ માટે રૂ 500ની સીધી નાણાકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે તેમના આધાર-લીંક બેંક ખાતામાં મળશે.
એમ્પેનલમેન્ટ (પેનલમાં જોડાવાની) પ્રક્રિયા નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન સતત ખુલ્લી રહેશે, જેથી પાત્ર સંસ્થાઓ કોઈપણ સમયે ઓનલાઈન અરજી કરી શકશે. પસંદ કરાયેલા ભાગીદારોને ત્રણ વર્ષ માટે પેનલમાં સમાવવામાં આવશે, જે કામગીરીના આધારે બે વર્ષ સુધી લંબાવી શકાશે.
એકીકૃત કૌશલ્ય વિકાસ ઇકોસિસ્ટમનું નિર્માણ
ગુજરાત સરકારે 'વિકસિત ગુજરાત @2047'ના વિઝનને અનુરૂપ રાજ્યની કૌશલ્ય વિકાસ અને રોજગાર ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી એક વ્યાપક ફ્લેગશિપ પહેલ 'નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન' (NGKRM) 2026ની શરૂઆત કરી છે. આ મિશન કાર્યક્ષમતા, ગુણવત્તા અને રોજગારના પરિણામોમાં સુધારો કરવા માટે હાલની વિવિધ કૌશલ્ય વિકાસ યોજનાઓને એક જ માળખા હેઠળ લાવે છે.
એકીકૃત ઉદ્યોગ-સંચાલિત તાલીમ માળખું
આ મિશનની એક મુખ્ય વિશેષતા 'ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ્સ ફોર એડવાન્સ્ડ સ્કિલ્સ' (GIAS) ની સ્થાપના છે, જે NSQF લેવલ 1 થી 8 સુધીના ટૂંકા ગાળાના કૌશલ્ય અભ્યાસક્રમો આપતું એકીકૃત, ઉદ્યોગ-સંચાલિત તાલીમ માળખું છે. આ કાર્યક્રમનો લક્ષ્યાંક વર્ષ 2026-27 દરમિયાન એક લાખ ઉમેદવારોને તાલીમ આપવાનો છે, જેને તબક્કાવાર વધારીને વાર્ષિક પાંચ લાખ તાલીમાર્થીઓ સુધી લઈ જવાની યોજના છે.
આ મિશન યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ-જનજાતિ સમુદાયો, દિવ્યાંગ વ્યક્તિઓ, અનૌપચારિક ક્ષેત્રના કામદારો, કારીગરો, સ્થળાંતરિતો અને અન્ય વંચિત જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તાલીમ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે અને પાત્ર તાલીમાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા નાણાકીય સહાય મળશે.
પારદર્શક્તા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે, NGKRM તમામ તાલીમ કેન્દ્રો પર આધાર-સીડેડ (Aadhaar-seeded) રેકોર્ડ, રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ફરજિયાત ફેસ-રેકગ્નાઇઝેશન આધારિત હાજરી પ્રણાલી ધરાવતું એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ અમલમાં મૂકશે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ મિશનનો હેતુ કુશળ પ્રતિભા અને રોજગાર સર્જન માટેના અગ્રણી કેન્દ્ર તરીકે ગુજરાતના સ્થાનને મજબૂત કરવાની સાથે વૈશ્વિક સ્તરે માપદંડ ધરાવતું, ઉદ્યોગ-સંકલિત કાર્યબળ તૈયાર કરવાનો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
