તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
સુરતના પરણિત યુવક અને સગીરાએ પ્રેમપ્રકરણમાં ખાડી કિનારે ઝાડ પર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
બંને બે દિવસથી ગુમ હતા:રામજીનગર પાસે મૃતદેહ મળતા ભારે ચકચાર :ઉધના પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી

સુરત શહેરના સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક 13 ઓગસ્ટ 2026ના રોજ આપઘાતનો કેસ સામે આવ્યો છે. અહીં મજૂરીકામ કરતા 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાએ પ્રેમપ્રકરણમાં ઘરથી 500 મીટર દૂર ખાડી કિનારે બિલપત્રના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બે દિવસથી ગુમ બંનેના મૃતદેહ મળતા ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના ઔદ્યોગિક અને શ્રમિક વસ્તી ધરાવતા ઉધના વિસ્તારમાં આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. રોજીરોટી અર્થે આવેલા શ્રમિક પરિવારના 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાએ પ્રેમપ્રકરણમાં ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા ટૂંકાવી લીધી છે.
આ ઘટનાને પગલે સમગ્ર સંજયનગર અને આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. સ્થાનિક નાગરિકો દ્વારા જાણ કરાતાં જ ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની તપાસ શરૂ કરી હતી.
ઉધના પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, મૃતક 24 વર્ષીય યુવક મૂળ દાહોદ જિલ્લાનો વતની હતો. તે માત્ર દોઢ મહિના પહેલા જ રોજીરોટીની શોધમાં સુરત શહેર આવ્યો હતો અને સંજયનગર વિસ્તારમાં રહેતો હતો. પોલીસ તપાસમાં એવું પણ ખુલવા પામ્યું છે કે આ યુવકના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા.
બીજી તરફ, મૃતક સગીરાની ઉંમર માત્ર 16 વર્ષની હતી. છેલ્લા એક મહિનાથી આ યુવક અને સગીરા એકસાથે મજૂરીકામ અર્થે જતા હતા. દરરોજ સાથે કામ કરવા દરમિયાન તેમની વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. જોકે, આ પ્રેમસંબંધ કે તેમના લગ્ન અંગે બંનેના પરિવારજનોમાંથી કોઈને પણ થોડી પણ કલ્પના કે જાણ નહોતી.
આ કરુણ દુર્ઘટના તેમના રહેણાંક ઘરથી માત્ર ૫૦૦ મીટર દૂર આવેલી રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે બની હતી. બંને પ્રેમી પંખીડાઓ છેલ્લા બે દિવસથી અચાનક પોતાના ઘરેથી અદ્રશ્ય થઈ ગયા હતા, જેના કારણે તેમના પરિવારજનો ચિંતાતુર બનીને આસપાસના વિસ્તારોમાં તેમની સઘન શોધખોળ કરી રહ્યા હતા.
૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે સ્થાનિક રહીશો જ્યારે ખાડી કિનારેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે બિલપત્રના ઝાડ પર બંનેના મૃતદેહ એક જ દુપટ્ટા વડે લટકતી હાલતમાં જોયા હતા. આ દ્રશ્ય જોતાં જ લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.
આપઘાતની આ ઘટના બાદ મૃતકોના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સગીરાના ભાઈએ પોતાનું હૃદયદ્રાવક દર્દ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "મારી બહેન બે દિવસથી અચાનક ગુમ હતી. માતા-પિતા રડી-રડીને આખી રાત તેને શોધતા હતા, જેથી તેમને આશ્વાસન આપવા વતન મોકલ્યા હતા. તેઓ ગામડે પહોંચ્યા જ હતા કે સવારે આ દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા."
બીજી તરફ, મૃતક યુવકના ભાઈએ પણ જણાવ્યું કે, "તે મારો નાનો ભાઈ હતો. બંને બે-ત્રણ દિવસથી લાપતા હતા અને આજે સવારે જ અમને ખબર પડી કે તેમણે ફાંસી ખાઈ લીધી છે. પરિવારમાં કોઈને પણ તેમના સંબંધ અંગે જાણ નહોતી."
હાલમાં ઉધના પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. સગીરા વયની યુવતી હોવાથી અને યુવકના ભૂતકાળના લગ્નોને ધ્યાને રાખી પોલીસે તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
