<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે 3.56 કરોડની અપ્રમાણસર મિલકત: પરિવારના 24 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા

સસ્પેન્ડેડ GAS અધિકારી કેતકી વ્યાસની શેલામાંથી ધરપકડ: રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકતમાં ક્રાઇમ બ્રાન્ચ અને ACB ની સંયુક્ત કાર્યવાહી બાદ હવે રિમાન્ડ મેળવાશે

આણંદના પૂર્વ અધિક કલેક્ટર અને સસ્પેન્ડેડ GAS એટલે કે ગુજરાત એડમિનીસ્ટ્રેટિવ સર્વિસના અધિકારી કેતકી વ્યાસની કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત ના કેસમાં વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની સંયુક્ત કાર્યવાહી અંતર્ગત શહેરના શેલા વિસ્તારમાં આવેલા તેમના બહેનના ઘરેથી કેતકી વ્યાસની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને આગળની તપાસ માટે એસીબીને સોંપ્યા છે.

એસીબીના નાયબ નિયામક હરેષ મેવાડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેતકી વ્યાસ સામેની ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન અરજી નામેંજૂર કર્યા બાદ આ એક્શન લેવાયા છે. વર્ષ 2023માં આણંદના તત્કાલીન નિવાસી કલેક્ટર સામે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરાઈ હતી. 

એસીબીની તપાસ દરમિયાન તેમની કાયદેસરની આવક કરતાં 68.84 ટકા વધુ એટલે કે રૂ. 3.56 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. વર્ષ 2001ની બેચમાં જોડાયેલા અને 2005માં કલેક્ટર બનેલા કેતકી વ્યાસને 2012 થી 2023 દરમિયાન પગાર પેટે રૂ. 78 લાખ મળ્યા હતા, જેની સામે તેમની પાસે રૂ. 5.17 કરોડથી વધુની સંપત્તિ અને રોકાણો સામે આવ્યા છે.

(1:41 PM IST)