<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

હિન્‍દુ અને મુસ્‍લિમ મહિલાએ એકમેકના પતિને કિડનીનું દાન કર્યું

અમદાવાદમાં અંગદાનની પ્રેરણાદાયી મિસાલ...સગાંઓની કિડની તબીબી રીતે યોગ્‍ય ન હોવાનું સામે આવ્‍યા બાદ સ્‍વેપ ટ્રાન્‍સપ્‍લાન્‍ટનો નિર્ણય લેવાયો : અમદાવાદના ૪૫ વર્ષીય અને ઉદયપુરના ૪૨ વર્ષીય પુરુષનું એકસાથે કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરાયું

 

અમદાવાદ તા.૧૩: અમદાવાદમાં અંગદાનની અનોખી મિસાલ સામે આવી છે. હિન્‍દુ અને મુસ્‍લિમ મહિલાએ એકમેકના પતિને પોતાની કિડની દાન કરીને તેમને નવજીવન આપ્‍યું છે. બંને પુરુષોના સંબંધીઓની કિડની તબીબી રીતે યોગ્‍ય ન હોવાનું સામે આવ્‍યા બાદ અમદાવાદની સ્‍ટર્લિગ હોસ્‍પિટલમાં સ્‍વેપ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવામાં આવ્‍યું હતું.

સ્‍ટર્લિગ હોસ્‍પિટલના જણાવ્‍યા મુજબ, અમદાવાદના ૪૫ વર્ષીય હિન્‍દુ પુરુષ અને ઉદયપુરના ૪૨ વર્ષીય મુસ્‍લિમ પુરુષને ૯ જુલાઈએ એકસાથે કિડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવામાં આવ્‍યું હતું. હોસ્‍પિટલમાં કરવામાં આવેલા આ પ્રથમ કિડની સ્‍વેપ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ હતા.

ડોક્‍ટરોએ બંને દર્દીઓ અને તેમના સંબંધીઓના જરૂરી તબીબી પરીક્ષણો કર્યા હતા. તેમાં પ્રથમ દર્દીના પરિવારની મહિલા ડોનર બીજી વ્‍યક્‍તિને કિડની આપવા માટે યોગ્‍ય હોવાનું જણાયું હતું. તેવી જ રીતે, બીજા દર્દીના પરિવારની મહિલા ડોનર પ્રથમ દર્દીને કિડની આપવા માટે યોગ્‍ય હતી. આ રીતે બંને ડોનર-દર્દીની જોડી યોગ્‍ય રીતે મેચ થઈ હતી.

ત્‍યારબાદ બંને પરિવારોને સમગ્ર પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્‍યા હતા અને તેમની સંમતિ બાદ સ્‍વેપ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે આગળ વધવામાં આવ્‍યું હતું. હોસ્‍પિટલે આ ટ્રાન્‍સપ્‍લાન્‍ટને કરુણા, વિશ્વાસ, સામુદાયિક સુમેળ અને જીવન બચાવવાની સહિયારી માનવીય ભાવનાનું શક્‍તિશાળી ઉદાહરણ ગણાવ્‍યું છે.

સ્‍ટર્લિગ હોસ્‍પિટલના ક્‍લિનિકલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. સુધીર મોરાડે જણાવ્‍યું હતું કે આ સિદ્ધિ માત્ર સફળ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પ્રક્રિયા કરતાં ઘણી મોટી છે. કિડની સ્‍વેપ એવા દર્દીઓને બીજી તક આપે છે, જેમના  ડોનર બલ્‍ડ ગ્રુપ અથવા અન્‍ય તબીબી કારણોસર પોતાની કિડની આપી શકતા નથી.

તેમણે કહ્યું કે આ સમગ્ર ઘટનાને ખાસ બનાવતી બાબત ડોનર અને બંને પરિવારો દ્વારા દર્શાવવામાં આવેલી વિશ્વાસની ભાવના છે. હોસ્‍પિટલના જણાવ્‍યા મુજબ, ટ્રાન્‍સપ્‍લાન્‍ટ બાદ બંને દર્દીઓની તબિયત સારી રહી હતી. રજા આપતી વખતે પ્રથમ દર્દીનું સીરમ ક્રિએટિનિન સ્‍તર ૧.૨૬ અને બીજા દર્દીનું ૧.૩૦ હતું. જે બંનેમાં કિડનીની શરૂઆતની કામગીરી સારી હોવાનો સંકેત આપે છે.

ટ્રાન્‍સપ્‍લાન્‍ટમાં સામેલ ચારેય લોકોને ૧૮ જુલાઈએ હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ડો. સોનલ દલાલ, ડો. જાવેદ વકીલ, ડો. કેતન શુક્‍લા, ડો. હિમાંશુ પટેલ અને ડો. ભાવિન મહેતાલિયાની આગેવાની હેઠળની મલ્‍ટિડિસિપ્‍લિનરી ટીમે કર્યા હતા. ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કોઓર્ડિનેટર રાહિલ શાહે પણ સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપ્‍યો હતો.

(3:18 PM IST)