<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

હેલ્‍થ વીમાના ક્‍લેમમાં વધારોઃ ૪ વર્ષમાં સરેરાશ ક્‍લેમ ૩૨ ટકા વધીને રૂ.૯૬,૭૬૦

અમદાવાદમાં સરેરાશ હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સ ક્‍લેમ રૂ.૧.૦૩ લાખ, વડોદરામાં રૂ.૧.૦૨ લાખ અને સુરતમાં રૂ.૯૬,૩૯૫ : ગુજરાતમાં હોસ્‍પિટલમાં દાખલ થયેલા ૬૪.૪ ટકા કેસની સારવાર ખાનગી હોસ્‍પિટલોમાં કરવામાં આવી હતીઃ શહેરી વિસ્‍તારોમાં આ પ્રમાણ ૬૯.૫ ટકા હતું

અમદાવાદ તા.૧૩: ગુજરાતમાં સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે અને તેની સીધી અસર હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સ એટલે કે આરોગ્‍ય વીમાના ક્‍લેમમાં જોવા મળી રહી છે. રાજ્‍યમાં સરેરાશ હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સ ક્‍લેમ છેલ્‍લા ૪ વર્ષમાં ૩૨ ટકા વધ્‍યો છે. ૨૦૨૨માં સરેરાશ ક્‍લેમ રૂ.૭૩,૧૪૧ હતો, જે ૨૦૨૬માં વધીને રૂ.૯૬,૭૬૦ થયો છે. અમદાવાદ અને વડોદરામાં તો સરેરાશ ક્‍લેમ રૂ.૧ લાખને પાર કરી ગયો છે.

પોલિસીબઝારના ‘ધ કોસ્‍ટ ઑફ કેર ઇન ઇન્‍ડિયા' રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ સરેરાશ ક્‍લેમ રૂ.૧.૦૩ લાખ નોંધાયો છે. ત્‍યારબાદ વડોદરામાં રૂ.૧.૦૨ લાખ અને સુરતમાં રૂ.૯૬,૩૯૫નો સરેરાશ ક્‍લેમ નોંધાયો છે. ગુજરાતના આ આંકડા રાષ્ટ્રીય સરેરાશ રૂ.૧.૧૯ લાખ કરતાં ઓછા છે, વિવિધ સારવાર કેટેગરીમાં મેડિકલ મોંઘવારીનો દર વાર્ષિક અંદાજે ૬થી ૧૦ ટકા છે, જ્‍યારે કેન્‍સરની સારવારનો ખર્ચ દર વર્ષે આશરે ૧૦થી ૧૪ ટકા વધી રહ્યો છે.

પોલિસીબઝારના હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સ વિભાગના વડા સિદ્ધાર્થ સિઘલે જણાવ્‍યું હતું કે ઉંમર હેલ્‍થકેર ખર્ચ વધારવાનું એક મહત્‍વનું કારણ છે. ઉંમર વધવાની સાથે લાંબા સમયની અને ગંભીર બીમારીઓ વધુ સામાન્‍ય બને છે, જેના કારણે વિશેષ અને મોંઘી સારવારની જરૂર પડે છે.

ગુજરાતમાં હોસ્‍પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં ખાનગી હોસ્‍પિટલોનો હિસ્‍સો મોટો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના  હાઉસહોલ્‍ડ સોશિયલ કન્‍ઝમ્‍પશન સર્વે અનુસાર, ગુજરાતમાં હોસ્‍પિટલમાં દાખલ થયેલા ૬૪.૪ ટકા કેસની સારવાર ખાનગી હોસ્‍પિટલોમાં કરવામાં આવી હતી. શહેરી વિસ્‍તારોમાં આ પ્રમાણ ૬૯.૫ ટકા હતું.

ગુજરાતમાં એક વખત હોસ્‍પિટલમાં દાખલ થવા પાછળનો સરેરાશ મેડિકલ ખર્ચ રૂ.૩૮,૬૦૭ હતો. શહેરી વિસ્‍તારોમાં તે રૂ.૫૧,૭૪૨ અને ખાનગી હોસ્‍પિટલોમાં રૂ.૫૫,૧૩૯ હતો.

શહેર આધારિત ઇન્‍શ્‍યોરન્‍સ બ્રોકિગ અને કન્‍સલ્‍ટન્‍સી ફર્મના મેનેજિગ ડિરેક્‍ટર આશિષ સોનીએ જણાવ્‍યું હતું કે અદ્યતન સારવારને કારણે હોસ્‍પિટલના બિલમાં વધારો થઈ રહ્યો છે. રોબોટિક સર્જરી અને અદ્યતન પ્રક્રિયાઓના વધતા ઉપયોગને કારણે ખર્ચમાં ખાસ વધારો થયો છે. તેમના જણાવ્‍યા મુજબ, રોબોટિક સર્જરીના  કેસોમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્‍યારે જાટિલ લિવર, કેન્‍સર, કિડની અને હૃદયના કેસમાં કેટલાક કિસ્‍સામાં સારવારનો ખર્ચ દિવસનો રૂ.૧૦થી ૧૫ લાખ સુધી પહોંચી શકે છે.

ઉંમર પ્રમાણે ગુજરાતમાં સરેરાશ ક્‍લેમ

૦થી ૨૫ વર્ષઃ રૂ.૬૩,૫૪૪

૨૬થી ૩૫ વર્ષઃ રૂ.૬૬,૧૩૨

૩૬થી ૪૫ વર્ષઃ રૂ.૭૯,૭૧૨

૪૬થી ૬૦ વષઃ રૂ.૧.૨ લાખ

૬૧ વર્ષથી વધુઃ રૂ.૧.૩ લાખ

મોંઘી સારવારને કારણે હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સના ક્‍લેમ પણ વધી રહ્યા છે. દેશમાં કેન્‍સરના સરેરાશ ક્‍લેમ ૨૦૨૧માં રૂ.૩.૧ લાખથી વધીને ૨૦૨૬માં રૂ.૫.૬ લાખ થયા છે. જ્‍યારે હૃદયરોગ, હાઇપરટેન્‍શન અને સ્‍ટ્રોકના ક્‍લેમ રૂ.૨ લાખને પાર કરી ગયા છે. આ ઉપરાંત કેન્‍સર અને ટ્‍યુમર, હાડકાં-સાંધા અને સ્‍નાયુઓની બીમારી, હૃદયરોગ , ગંભીર ચેપ, અકસ્‍માત અને અન્‍ય સારવારના કારણે ક્‍લેમ વધી રહ્યા છે.

સારવારનો ખર્ચ વધતાં લોકો પણ વધુ હેલ્‍થ કવર લઈ રહ્યા છે. આશિષ સોનીના જણાવ્‍યા મુજબ, ૩૦થી ૪૦ ટકા ગ્રાહકો પોતાની વીમા રકમમાં વધારો કરી રહ્યા છે, જ્‍યારે ટોપ-અપ કવર લેવાની માંગ પણ વધી રહી છે. તેમણે ઉમેર્યું કે હેલ્‍થ ઇન્‍શ્‍યોરન્‍સ હવે લોકોના નાણાકીય આયોજનનો વધુને વધુ મહત્‍વનો હિસ્‍સો બની રહ્યો છે

(3:20 PM IST)