<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

રાજ્‍યમાં અઢી વર્ષમાં ૩૦૦૦ ડ્રાઇવિંગ લાઇસન્‍સ કરાયા સસ્‍પેન્‍ડ

ટ્રાફિક પોલીસની ભલામણના આધારે આરટીઓ દ્વારા અકસ્‍માતમાં સંકળાયેલા વાહનચાલકોના લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે

 

અમદાવાદ તા.૧૩: રાજ્‍યમાં અઢી વર્ષમાં ૩૦૦૦ ડ્રાઇવિગ લાઇસન્‍સ વિવિધ કારણોસર સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. મળતી વિગત પ્રમાણે, ટ્રાફિક પોલીસની ભલામણના આધારે આરટીઓ દ્વારા અકસ્‍માતમાં સંકળાયેલા વાહનચાલકોના લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે. અમદાવાદ આરટીઓ દ્વારા છેલ્‍લા અઢી વર્ષમાં ૨૯૭૬ વાહન ચાલકોના ડ્રાઇવિગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કર્યા છે. જેમાં ગંભીર અકસ્‍માત ઉપરાંત ઓવરસ્‍પીડિગ અને બેદરાકરીપૂર્વક વાહન ચલાવવા મુખ્‍ય કારણો છે. પોલીસની ભલામણના આધારે આરટીઓ સંબંધિત ડ્રાઇવરોના લાઇસન્‍સ ચોક્કસ સમયગાળા માટે સસ્‍પેન્‍ડ કરે છે.

સુભાષબ્રિજ RTO ખાતે ૨૦૨૪માં ૨,૨૨૦ ડ્રાઇવિગ લાઇસન્‍સ, ૨૦૨૫માં ૪૬૭ અને આ વર્ષે ઓગસ્‍ટ સુધીમાં ૨૮૯ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા,  કુલ મળીને ૨,૯૭૬ ડ્રાઇવિગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરાયા હતા.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે જીવલેણ અકસ્‍માતો સાથે સંકળાયેલા મોટાભાગના કિસ્‍સાઓમાં ગુનો કરનાર વાહનચાલકનું ડ્રાઇવિગ લાઇસન્‍સ ત્રણથી છ મહિના માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે.

ઉપરાંત સૂત્રોએ જણાવ્‍યું, ચાલુ વર્ષે અત્‍યાર સુધીમાં ૨૮૯ વાહનચાલકોના ડ્રાઇવિગ લાઇસન્‍સ વિવિધ કારણોસર સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. જોકે, ૨૦૨૪માં ૨,૨૨૦ વાહનચાલકોના લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કર્યા હતા. તે સમયે, ટ્રાફિક પોલીસે જેમની સામે ત્રણ ટ્રાફિક નિયમભંગના કેસ નોંધાયેલા હતા તેવા વાહનચાલકોના લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જેના પરિણામે ૨૦૨૪માં ૨,૨૨૦ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા.

(3:21 PM IST)